તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
ગોંડલમાં દુકાનમાં ઘુસી તેલના વેપારીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
મહાવીર ટ્રેડર્સ નામે દુકાન ચલાવતા ૬૧ વર્ષીય ભરતભાઇ ડાભીના મોઢાના ભાગે ગંભીર ઘા ઝીંકી હત્યારા ફરારઃ મૃતકનું બાઇક પણ ગાયબઃ લૂંટના ઇરાદે કે અન્ય કોઇ અંગત અદાવતના કારણે હત્યા? પોલીસે તપાસ હાથ ધરી રોજ રાત્રે ૧૦ વાગ્યે બંધ થતી દુકાન ૧૧.૩૦ વાગ્યા સુધી ખુલ્લી રહેતી પડોશીઓને શંકા જતા તપાસ કરતા ભરતભાઇની લોહી લોહાણા હાલતમાં લાશ મળી ગોંડલમાં હત્યાનો ભોગ બનનાર વેપારીની દુકાનમાંથી ત્રણેક લાખની રોકડ રકમ ભરેલો થેલો ગાયબઃ જયારે મૃતકના શરીરે સોનાના દાગીના એમને એમ છેઃ હત્યા લૂંટના ઇરાદે કે અન્ય કારણોસર? પોલીસ ગોટે ચડીઃ સીસીટીવી ફુટેજના આધારે પોલીસ તપાસનો ધમધમાટ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૮ :.. ‘હાદસાઓ કા શહેર' ગણાતા ગોંડલમાં સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શહેરની ચુનારા શેરીમાં આવેલી તેલની દુકાનમાં ૬૧ વર્ષીય વળદ્ધ વેપારીની અજાણ્યા શખ્સોએ મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવી છે. ઘટના બાદ મળતકનું હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પણ ગાયબ હોવાથી આ હત્યા લૂંટના ઈરાદે થઈ છે કે અન્ય કોઈ કારણોસર, તે દિશામાં ગોંડલ એ-ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના રામ મંદિર પાસે આવેલી અરુણ કોલોનીમાં રહેતા ભરતભાઈ નાનભા ડાભી (ઉં.વ. ૬૧) ચુનારા શેરીમાં ‘મહાવીર ટ્રેડર્સ' નામે તેલનો વેપાર કરતા હતા. ભરતભાઈ નિત્યક્રમ મુજબ દરરોજ રાત્રે ૧૦ વાગ્યે પોતાની દુકાન વધાવીને ઘરે જતા રહેતા હતા. પરંતુ ગત રાત્રે ૧૧-૩૦ વાગ્યા સુધી તેમની દુકાન ખુલ્લી જણાતા આસપાસના પડોશીઓને શંકા ગઈ હતી. પડોશીઓએ દુકાનમાં તપાસ કરતા ભરતભાઈ લોહીલુહાણ હાલતમાં મળત પડેલા જોવા મળ્યા હતા.
હત્યારાઓએ દુકાનની અંદર જ ભરતભાઈના મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભરતભાઈનું હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પણ ઘટનાસ્થળેથી ગાયબ છે. દુકાનમાંથી રોકડ રકમની લૂંટ થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ બાઈક ગાયબ હોવાથી લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
બનાવની જાણ થતા જ એ-ડિવિઝન પીઆઈ જાડેજા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. મળતકની દુકાનની અંદર સીસીટીવી કેમેરા નથી, પરંતુ બહારના ભાગે લાગેલા કેમેરા અને આસપાસના વિસ્તારના ફૂટેજ પોલીસે કબજે કરીને આરોપીઓનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. ગુર્જર રાજપૂત સમાજના અગ્રણી વેપારીની હત્યાથી વેપારી આલમમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે.
દરમિયાન હત્યાનો ભોગ બનનાર વેપારી ભરતભાઇ ડાભીની દુકાનમાંથી દૈનિક વેપારની ર થી ૩ લાખની રકમ ગાયબ હોવાનું ખુલ્યું છે. મૃતકનું બાઇક તથા રોકડ રકમ જોવા ન મળતા તેમજ મૃતકના શરીરે સોનાની વિંટી તથા અન્ય દાગીના એમનેમ હોય આ ઘટના લુંટના ઇરાદે થઇ છે કેમ ? કે અન્ય કોઇ કારણોસર તે અંગે પોલીસ ગોટે ચડી છે. જો કે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગોંડલમાં વેપારીના હત્યાના બનાવથી ચકચારઃ ૧૬ વર્ષના પુત્રએ પિતાની છાંયા ગુમાવી
૪૦ વર્ષથી વ્યવસાય કરતા વેપારીની હત્યાથી વેપારી આલમાં ભય-રોષ
ગોંડલ તા. ર૮ :.. ગોંડલમાં વેપારી ભરતભાઇ ડાભીની રાત્રિના પોણા બાર વાગ્યાની આસપાસ છરી નાં ઘા ઝીંકી કરાયેલી હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળતક છેલ્લા ૪૦ વર્ષથી આ વિસ્તારમાં પોતાનો વ્યવસાય કરતા હતા અને અહીંના જાણીતા વેપારી હતા. મળતકને સંતાનમાં એક ૧૬ વર્ષનો દીકરો છે, જે સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. આ દુઃખદ ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તાર અને બોર્ડરને કોર્ડન કરીને નાકાબંધી કરી દીધી છે તેમજ આરોપીઓને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે. આ ઘટનાના પગલે વેપારી આલમમાં ભય અને રોષની લાગણી ફેલાઇ છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
