<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

મોરબી જિલ્‍લા કોર્ટ અને સ્‍પેશિયલ પોક્‍સો કોર્ટ માટે ‘પબ્‍લિક પ્રોસિક્‍યુટર' ની જગ્‍યાઓ ભરવા માટે પેનલ રચવા અરજીઓ મંગાવાઈ

કુલ ૬ એડિશનલ પબ્‍લિક પ્રોસિક્‍યુટર અને ૧ મહિલા પબ્‍લિક પ્રોસિક્‍યુટરની જગ્‍યા માટે પાત્રતા ધરાવતા વકીલશ્રીઓ આગામી ૨૧ નવેમ્‍બર સુધી કરી શકશે અરજી

મોરબી તા.૧૩: મોરબી જિલ્‍લા ન્‍યાયાલય ખાતેની કોર્ટોમાં એડિશનલ પબ્‍લિક પ્રોસિક્‍યુટરશ્રીની ૬ તથા સ્‍પેશિયલ પોક્‍સો કોર્ટ માટે ૧ મહિલા પબ્‍લિક પ્રોસિક્‍યુટરશ્રીની જગ્‍યા ભરવા માટે પેનલ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. આ અન્‍વયે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૮(૪) તથા સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ લાયકાત ધરાવતા વકીલ ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.

આ જગ્‍યા માટે નિર્ધારિત લાયકાતોમાં ઉમેદવાર એડવોકેટ તરીકે ઓછામાં ઓછા ૭ વર્ષથી સક્રિય પ્રેક્‍ટિસ ધરાવતા હોવા જોઈએ, તેમની ઉંમર ૩૦ થી ૫૫ વર્ષ વચ્‍ચે હોવી જરૂરી છે તેમજ તેઓ નિમણૂકના ઓછામાં ઓછા ૩ વર્ષ પૂર્વેથી આવકવેરા કરદાતા હોવા ફરજિયાત છે. પસંદગી પામનાર ઉમેદવાર મહત્તમ ૬૦ વર્ષની ઉંમર સુધી ફરજ બજાવી શકશે.

રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો અરજી ફોર્મ મોરબી જિલ્‍લાની વેબસાઈટ www.morbi. gujarat. gov.in પરથી અથવા જિલ્‍લા સેવાસદન, મોરબી ખાતે આવેલી રૂમ નં. ૧૨૫, પ્રથમ માળની કચેરીમાંથી કચેરી સમય દરમિયાન મેળવી શકશે. અરજી ફોર્મ સાથે જન્‍મતારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તેમજ છેલ્‍લા ત્રણ વર્ષના આવકવેરાના રિટર્ન સાથે રાખીને સ્‍પીડ પોસ્‍ટ દ્વારા અથવા રૂબરૂ મોડામાં મોડા તા. ૨૧/૧૧/૨૦૨૬ સુધીમાં કચેરીએ પહોંચાડી દેવાના રહેશે. અધૂરી વિગતવાળી કે મુદત વીત્‍યા બાદ મળનાર અરજીઓ રદબાતલ ગણવામાં આવશે તેમ મોરબી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.

(10:54 AM IST)