તા. ૧૫ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૬ રવિવાર
News of Sunday, 15th November 2026
મોરબીના ગૌરક્ષકોએ કતલખાને જતા 8 પશુઓને બચાવ્યા: કચ્છથી ખંભાળિયા લઈ જવાતા હોવાનો પર્દાફાશ.
પીપળીયા ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને બોલેરો પીકઅપને ઝડપી લેવાયો, ક્રૂરતાપૂર્વક ભરેલા પશુઓને મોરબી પાંજરાપોળ મોકલાયા.

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ગૌરક્ષકો અને વિવિધ હિન્દુ સંગઠનોની સતર્કતાને કારણે કતલખાને ધકેલાતા 8 મૂંગા પશુઓને બચાવી લેવામાં મોટી સફળતા મળી છે. 14 નવેમ્બર ને શનિવારના રોજ કચ્છથી ખંભાળિયા તરફ કતલના ઈરાદે લઈ જવાતા 8 પાડાઓને ગૌરક્ષકોએ આમરણ પાસે પીછો કરીને છોડાવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના અને હિન્દુ યુવા વાહિની સહિતના સંગઠનોના કાર્યકર્તાઓને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીમાં જણાવાયું હતું કે, કચ્છના નખત્રાણા તરફથી માળિયા થઈને દ્વારકાના ખંભાળિયા તરફ એક બોલેરો પીકઅપ ગાડી (રજી. નં. GJ-11-Z-8154) માં મોટી સંખ્યામાં પશુઓને કતલના ઈરાદે લઈ જવામાં આવી રહ્યા છે.
આ ચોક્કસ બાતમીના આધારે મોરબી અને આમરણના ગૌરક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ (દિલ્હી) ની ટીમે સંયુક્ત રીતે પીપળીયા ચાર રસ્તા વિસ્તારમાં સઘન વોચ ગોઠવી હતી. દરમિયાન, બાતમીવાળું બોલેરો વાહન ત્યાંથી પસાર થતાં જ ગૌરક્ષકોએ સતર્કતા દાખવી તેનો પીછો કર્યો હતો અને આમરણ પાસે વાહનને અટકાવ્યું હતું.
ત્યારબાદ ગૌરક્ષકોએ તુરંત પોલીસ હેલ્પલાઈનને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસની હાજરીમાં બોલેરો વાહનની તલાશી લેતા અંદરથી 8 પાડાઓને અતિ ક્રૂરતાપૂર્વક અને ખીચોખીચ ભરેલી હાલતમાં મળી આવ્યા હતા. ગૌરક્ષકો અને પોલીસની મદદથી આ તમામ 8 પશુઓને હેમખેમ છોડાવી લેવામાં આવ્યા હતા અને સુરક્ષિત રીતે મોરબીની પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
