News of Sunday, 22nd November 2026
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં જમીન વિવાદે લીધું હિંસક સ્વરૂપ : વેપારીની ઓફિસમાં ઘૂસીને ફાયરિંગ : જાનથી મારી નાખવાની ધમકી
ગોળી વેપારીને વાગવાને બદલે દિવાલમાં અથડાતા જોરદાર અવાજ સાથે ચકચાર, સદનસીબે કોઈને ઈજા નહીં - સ્થાનિક વેપારીઓમાં ભય અને ચિંતાનો માહોલ, સુરેન્દ્રનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ : ચોટીલા પંથકમાં જમીન બાબતે ચાલી રહેલી તકરાર હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. વેપારીની ઓફિસમાં ઘૂસીને ફાયરિંગ કરવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
ફરિયાદી વેપારી કિરીટભાઈ પોતાની ઓફિસમાં અન્ય લોકો સાથે હાજર હતા, તે સમયે અગાઉથી ચાલતા જમીન વિવાદને કારણે આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા.
આરોપીઓએ ઓફિસ પરિસરમાં પ્રવેશ કરીને વેપારીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી. ત્યારબાદ પિસ્તોલથી ઓફિસમાં બેઠેલા વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ હુમલાને પગલે ઓફિસમાં એકાએક ગભરાટનો માહોલ પેદા થયો હતો. સદભાગ્યે હુમલાખોરો દ્વારા ચલાવવામાં આવેલી ગોળી વેપારીને વાગવાને બદલે ઓફિસના દરવાજા અને દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
ગોળી દિવાલમાં અથડાતા જોરદાર અવાજ થયો હતો. પરંતુ આ ઘટનામાં સદનસીબે કોઈને શારીરિક ઈજા થઈ ન હતી. ઘટનાના સમયે ઓફિસમાં અન્ય લોકો પણ હાજર હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે ઉપસ્થિત તમામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ મામલે ફરિયાદી કિરીટભાઈ દ્વારા સુરેન્દ્રનગર પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસે આ ગંભીર ફરિયાદના આધારે તાત્કાલિક ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જમીન બાબતે કયા કારણોસર વિવાદ ચાલી રહ્યો હતો અને કઈ રીતે આ હુમલો કરવામાં આવ્યો તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
સમગ્ર મામલે પોલીસની સઘન તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત સામે આવશે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે અને પોલીસ હવે ફરિયાદના આધારે કડક પગલાં ભરી આગળ વધી રહી છે.
આ મામલે પોલીસ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લઈને વધુ વિગતો મેળવવા તપાસ તેજ કરવામાં આવી છે, જેથી ગુનામાં સંડોવાયેલા શખ્સો સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
