<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

અંજારના જમીન કૌભાંડનો કિંગપિન જગો રબારી પોલીસ સકંજામાં: 20થી વધુ ગુનાનો ઇતિહાસ ધરાવતો રીઢો આરોપી ઝડપાયો

વરસામેડીની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેચવાના પ્રયાસ કેસમાં ધરપકડ; અગાઉ આગોતરા જામીન ફગાવાયા હતા અને લેન્ડગ્રેબિંગ તથા ધમકીના કેસો પણ નોંધાયા છે

ભુજ : મુંબઈ રહેતા મૂળ જમીન માલિકની જાણ બહાર અંજારના વરસામેડીમાં આવેલી મૂલ્યવાન જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેચી મારવાના પ્રયાસના ગુનામાં લાંબા સમયથી ફરાર રીઢા આરોપી જગો પચાણ રબારીની પોલીસે ધરપકડ કરી છે. અંજાર PI એચ. એ. જાડેજાના જણાવ્યા અનુસાર વરસામેડીની રેવન્યૂ સર્વે નંબર 222/1 અને 268ની જમીન બોગસ પાવરનામાના આધારે દલાલ બનીને અરજણ રત્ના રબારીને ₹90 લાખમાં વેચવાનું કાવતરું ઘડાયું હતું.

સહઆરોપી દિનમામદ કાસમા રાયમા સાથે મળીને બોગસ દસ્તાવેજ અને પાવરનામાના આધારે ₹40 લાખ મેળવીને અરજણની તરફેણમાં વેચાણ દસ્તાવેજ લખાવી આપવામાં આવ્યો હતો, જોકે સબ રજિસ્ટ્રારની સતર્કતાથી સમગ્ર કાવતરું ખુલ્લું પડી ગયું હતું.

અગાઉ જુલાઈ મહિનામાં અંજાર સેશન્સ કોર્ટે ગુનામાં જગાની મુખ્ય ભૂમિકા અને લાંબા સમયથી નાસતો ફરતો હોવાનું નોંધી તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

અંજાર અને વરસામેડીની જમીનોમાં ગેરરીતિ અને દબાણ માટે કુખ્યાત જગા સામે સરકારી જમીનો પર કૉમર્શિયલ દબાણ કરવા બદલ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ બે ગુના નોંધાયા છે, તેમજ ભૂતકાળમાં સરકારી જમીનો પરના પાકાં દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું.

આ ઉપરાંત 2 ફેબ્રુઆરી, 2026ના રોજ સાત વર્ષ જૂના હુમલાના કેસમાં સમાધાન કરવાની ધમકી આપવા બદલ જગા અને તેના સાગરીત સામત સુજા રબારી સામે ગુનો નોંધાયો હતો, જ્યારે છેલ્લા દસેક વર્ષમાં ખંડણી, હિંસક હુમલા, લેન્ડગ્રેબિંગ અને ધાક-ધમકી સહિતના આશરે 20 ગુના તેની સામે નોંધાયેલા છે.

(7:14 PM IST)