<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

ઘરના ચૂલાથી સ્વરોજગાર સુધીની સફર: કચ્છના ચકાર ગામની ૧૦ મહિલાઓએ આત્મનિર્ભરતાની કેડી કંડારી

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન બન્યું મહિલા સશક્તિકરણનું માધ્યમ; ધનલક્ષ્મી સખી મંડળની બહેનો ઘઉં, ચોખા અને મકાઈના સ્વાદિષ્ટ નાસ્તા સાથે જાતે બનાવે છે થેલા અને પર્સ, ઘરબેઠાં મેળવી રહી છે રોજગારી

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૧ : મહિલાઓમાં કૌશલ્યની કમી નથી હોતી, જરૂર હોય છે માત્ર યોગ્ય તક, માર્ગદર્શન અને પ્રોત્સાહનની. જો તક મળે તો ઘરકામની જવાબદારીઓ નિભાવતી મહિલાઓ પણ પોતાની આવડતના બળે આત્મનિર્ભર બની શકે છે. આ વાતને સાર્થક કરી બતાવી છે ભુજ તાલુકાના ચકાર (કોટડા) ગામની ધનલક્ષ્મી સખી મંડળની ૧૦ બહેનોએ. ગુજરાત સરકારના સહયોગ અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના થકી આ બહેનોએ ઘરબેઠાં સ્વરોજગારનું નવું માધ્યમ ઊભું કરી મહિલા સશક્તિકરણની પ્રેરણાદાયી મિસાલ પૂરી પાડી છે. એક સમય હતો જ્યારે આ બહેનોની દુનિયા ઘરકામ અને પરિવારની જવાબદારીઓ સુધી સીમિત હતી. તેમની અંદર અનેક આવડતો અને કૌશલ્યો હતાં, પરંતુ તેને રોજગારીમાં કેવી રીતે પરિવર્તિત કરવાં તેની જાણકારી કે યોગ્ય માર્ગદર્શન નહોતું. સરકારી યોજનાઓ અને સખી મંડળની કામગીરી વિશે માહિતી મળતાં આ બહેનોએ એકજૂથ થવાનો નિર્ણય કર્યો. આમ, ૧૦ બહેનોએ સાથે મળીને ‘ધનલક્ષ્મી સખી મંડળ’ની રચના કરી અને આત્મનિર્ભરતા તરફ પ્રથમ પગલું ભર્યું. આજે આ મંડળની બહેનો માત્ર રોજગારી જ નથી મેળવતી, પરંતુ પોતાની મહેનત અને આવડતથી સ્વાવલંબનનું નવું સરનામું પણ બની છે. ઘઉં, ચોખા અને મકાઈ જેવા અનાજમાંથી વિવિધ સ્વાદિષ્ટ નાસ્તાઓ તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવે છે. સાથે જ બહેનોની સિવણકામની આવડતને પણ વ્યવસાયનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેઓ વિવિધ પ્રકારની થેલીઓ અને પર્સ બનાવી તેનું વેચાણ કરી આવક મેળવી રહી છે. આમ, પરંપરાગત કૌશલ્યને ગૃહઉદ્યોગ સાથે જોડી આ બહેનોએ રોજગારીની બેવડી તક ઊભી કરી છે. પોતાના અનુભવો વર્ણવતાં મંડળની બહેનો ભાવુકતાપૂર્વક જણાવે છે કે, “અગાઉ અમે માત્ર ઘરકામ સુધી મર્યાદિત હતાં. અમારી પાસે વિવિધ પ્રકારની આવડત અને કૌશલ્ય હતાં, પરંતુ તેનો ઉપયોગ કરીને સ્વરોજગાર કેવી રીતે શરૂ કરવો તેની જાણકારી નહોતી. સરકારની યોજનાઓ વિશે પણ અમને પૂરતી માહિતી નહોતી. સખી મંડળ વિશે જાણ્યા બાદ અમે ૧૦ બહેનો એકત્ર થઈ અને ધનલક્ષ્મી સખી મંડળની રચના કરી. આજે સરકારના સહયોગથી અમે નાના પાયે ગૃહઉદ્યોગ ચલાવી રહ્યાં છીએ. વિવિધ નાસ્તા અને સિવણકામની ચીજવસ્તુઓ બનાવી તેનું વેચાણ કરીએ છીએ. આના કારણે અમને પોતાની આવક ઊભી કરવાની તક મળી છે. સૌથી મોટી વાત એ છે કે અમારામાં આત્મવિશ્વાસ વધ્યો છે અને હવે અમે પણ પરિવારની આર્થિક જવાબદારીમાં સહભાગી બની શકીએ છીએ. આ સુંદર તક આપવા બદલ અમે સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.” ખરેખર, ધનલક્ષ્મી સખી મંડળની આ સફર માત્ર ૧૦ મહિલાઓની આવક ઊભી થવાની વાત નથી, પરંતુ તેમની અંદર જાગેલી સ્વતંત્ર ઓળખ, આત્મવિશ્વાસ અને આત્મસન્માનની કહાની છે. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અમલમાં મૂકાયેલી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના કેવી રીતે મહિલાઓની સુષુપ્ત શક્તિને નવી દિશા આપી શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. ચકારની આ ૧૦ બહેનોએ સાબિત કર્યું છે કે એકતા, મહેનત અને યોગ્ય સરકારી સહયોગ મળે તો ઘરઆંગણેથી પણ આત્મનિર્ભરતાની નવી કેડી કંડારી શકાય છે. તેમની આ પહેલ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.

(9:34 AM IST)