News of Sunday, 15th November 2026
ઈશ્વરિયા ગામે લાભ પાંચમે આયુર્વેદ કથાનું આયોજન : પરમાત્મા, પ્રાણ અને પ્રકૃતિનું જોડાણ જ સાચું સુખ આપે છે - વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા
ઘરેલું ઔષધિઓ દ્વારા ઝેરમુક્ત ખોરાક અપનાવવા અને વ્યસનમુક્તિ પર ભાર : સુરતના તબીબ મહેન્દ્ર વઘાસિયા અને પતંજલિ પરિવારના દિલીપસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં ગ્રામજનો અને યોગ કક્ષાના કાર્યકર્તાઓ જોડાયા

ઈશ્વરિયા: લાભ પાંચમના પાવન પર્વ નિમિત્તે ઈશ્વરિયા ગામે વિશેષ આયુર્વેદ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ પ્રસંગે જાણીતા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પરમાત્મા, પ્રાણ અને પ્રકૃતિનું અરસપરસ જોડાણ જ માનવીને સાચું સુખ આપી શકે છે અને આ પ્રક્રિયા તદ્દન સરળ તથા સહજ છે.
આયુર્વેદ અને જીવનશૈલી બદલવા પર ભાર:
વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ વર્તમાન સમયના માનસિક તણાવ અને અનેકવિધ બીમારીઓ સામે આયુર્વેદને અત્યંત અસરકારક ગણાવ્યું હતું. જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવાનો સંદેશ આપતા તેમણે સમજાવ્યું કે ઈશ્વરનું નામ એટલે કે હરિનામ સ્મરણ, પ્રકૃતિના જતન માટે વૃક્ષારોપણ, ગાય પ્રત્યે પ્રેમ તથા પ્રાણ સાથે મૈત્રી કરવાના સંકલ્પથી માનવ જીવન સાર્થક બને છે. તેમણે ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ ઘરેલું ઔષધિઓ અને રસાયણોનો ઉપયોગ કરી ઝેરમુક્ત પાક તથા શુદ્ધ ખોરાક મેળવવા અંગે સભાનતા કેળવવા અને વ્યસનો ત્યાગવા પર ભાર મૂક્યો હતો. શરીરનું સ્વાસ્થ્ય, મનની પ્રસન્નતા અને આત્માના આનંદ વિશે તેમણે સરળ ઉદાહરણો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
મહાનુભાવોનું માર્ગદર્શન અને આયોજનની વિશેષતાઓ:
પતંજલિ પરિવાર સાથે જોડાયેલા અને આ ઉપક્રમના સંકલ્પકર્તા દિલીપસિંહ સોલંકીએ આયોજનનો હેતુ સ્પષ્ટ કરી વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાનો પરિચય આપ્યો હતો અને સૌને આયુર્વેદ તથા યોગ અપનાવવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે સુરતથી પધારેલા તબીબ મહેન્દ્ર વઘાસિયાએ પણ આધુનિક આરોગ્ય અને સારવાર પદ્ધતિનો ઉલ્લેખ કરી આયુર્વેદને અનિવાર્ય ગણાવ્યું હતું. કાર્યકર્તા મુકેશ પંડિતે ગોહિલવાડના ગૌરવ સમાન વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા સમાજના સ્વાસ્થ્ય અંગે દાખવવામાં આવતી ચિંતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સ્વાગત અને સંચાલન છત્રપાલસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કથામાં ગ્રામજનોની સાથે ભાવનગર બોરતળાવ યોગ કક્ષાના કાર્યકર્તાઓએ પણ ઉત્સાહભેર હાજરી આપી હતી. આયોજનને સફળ બનાવવા અભેશંગભાઈ પરમાર, હાજાભાઈ ગોહિલ, પોપટભાઈ મકવાણા, સંજયભાઈ સોલંકી તથા સ્થાનિક યુવાનોએ સક્રિય સંકલન કર્યું હતું. (અહેવાલ - મુકેશ પંડિત)
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
