<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

વિરપુરમાં પૂ.જલારામબાપાની જન્‍મજયંતિ ઉજવવા ભારે થનગનાટ

યાત્રાધામ વીરપુરમાં જાણે બીજી દિવાળી : ધજા-પતાકા, રંગબેરંગી રોશની અને તોરણોથી શણગારાયું વીરપુરધામઃ ૧૫ નવેમ્‍બરની રાત્રે કેક સેલિબ્રેશન, રાસ-ગરબા અને રાત્રે મહાઆરતી યોજાશે, લાખો ભાવિકો ઉમટી પડશે

 (કિશન મોરબીયા દ્વારા) વીરપુર (જલારામ) તા., ૧૪:  ‘જ્‍યાં ટુકડો ત્‍યાં હરિ ઢુકડો'ના સંદેશને જીવનમંત્ર બનાવી સમગ્ર વિશ્વને સેવા,ભક્‍તિ અને સમર્પણનો માર્ગ બતાવનાર સંત શિરોમણી પૂજ્‍ય શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્‍મજયંતીની આગામી તા. ૧૬ નવેમ્‍બર, સોમવારના રોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરવામાં આવશે. જન્‍મજયંતિના પાવન અવસરને વધાવવા સમગ્ર વીરપુર ધામમાં અત્‍યારથી જ અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. જાણે વીરપુરમાં બીજી દિવાળીનો માહોલ સર્જાયો હોય તેમ સમગ્ર ગામને ધજા-પતાકા, આકર્ષક તોરણો, કમાનો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્‍યું છે.

પૂજ્‍ય જલારામ બાપાની જન્‍મજયંતિને લઈને વીરપુરના વેપારીઓ, યુવાનો, વિવિધ મિત્રમંડળો અને ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગામના મુખ્‍ય માર્ગો અને ચોકમાં આકર્ષક રોશની કરવામાં આવી છે. બાપાની જન્‍મજયંતિના દર્શને આવતા ભાવિકોનું સ્‍વાગત કરવા સમગ્ર વીરપુર ધામને ગોકુળિયું ગામ બનાવી દેવામાં આવ્‍યું છે. જન્‍મજયંતિના દિવસો નજીક આવતાં જ દેશભરમાંથી ભાવિકો વીરપુરમાં ઉમટી રહ્યા છે.

તા.૧૫ નવેમ્‍બરની રાત્રે જન્‍મજયંતિના આગલા દિવસે વીરપુરમાં ઉત્‍સવનો માહોલ ચરમસીમાએ પહોંચશે. ગામના ચામુંડા ચોક, અશોક ચોક, મીનળવાવ ચોક સહિતના વિવિધ સ્‍થળોએ રાત્રે ૧૨ વાગ્‍યે કેક કાપીને પૂજ્‍ય જલારામ બાપાની જન્‍મતિથિની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત ઘેર-ઘેર રંગોળીઓ અને અશોપાલના તોરણો બાંધવામાં આવશે અને પૂજ્‍ય જલારામ બાપાની જન્‍મતિથિના વધામણા કરવામાં આવશે તેમજ આતશબાજી સાથે જન્‍મજયંતિની ખુશી વ્‍યક્‍ત કરાશે.

જન્‍મજયંતિના આગલા દિવસે એટલે કે તા.૧૫ નવેમ્‍બરની રાત્રે જેતપુર રોડ પર આવેલા શ્રી સદગુરુ આશ્રમની બાજુના ગ્રાઉન્‍ડમાં મહિલાઓ માટે વિનામૂલ્‍યે ભવ્‍ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં મોટી સંખ્‍યામાં મહિલાઓ ભાગ લેશે. રાત્રે ૧૨ વાગ્‍યે પૂજ્‍ય જલારામ બાપાની ભવ્‍ય મહાઆરતી ઉતારવામાં આવશે. સાથે જ પૂજ્‍ય બાપાના જીવનચરિત્ર અને તેમના સેવાકાર્યોને ઉજાગર કરતા આકર્ષક ફ્‌લોટ્‍સ પણ તૈયાર કરવામાં આવશે.

જન્‍મજયંતિના દિવસે જલીયાણ ગ્રૂપ દ્વારા પૂજ્‍ય જલારામ બાપાની ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ શોભાયાત્રા વીરપુરના ઐતિહાસિક મીનળવાવ ચોકથી પ્રસ્‍થાન કરી શહેરના વિવિધ મુખ્‍ય માર્ગો અને વિસ્‍તારોમાં ફરી ધર્મમય વાતાવરણ સર્જશે. શોભાયાત્રામાં વીરપુરની ગરબી મંડળની બાળાઓ દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. આ ઉપરાંત શોભાયાત્રામાં ભાવિકો માટે ૨૨૭ કિલો બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

પૂજ્‍ય જલારામ બાપાની જન્‍મજયંતિ નિમિત્તે વીરપુરમાં આવતા લાખો ભાવિકોને કોઈ મુશ્‍કેલી ન પડે અને તેઓ સુવ્‍યવસ્‍થિત રીતે દર્શન કરી શકે તે માટે ખાસ વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી છે. જલારામ બાપાની જગ્‍યા, ધર્મશાળા અને પ્રસાદ કેન્‍દ્ર સહિતનાં સ્‍થળોએ ૩૦૦થી વધુ સ્‍વયંસેવકો સેવા માટે ખડેપગે રહેશે. આ ઉપરાંત યુવાનો અને અલગ-અલગ મિત્રમંડળો દ્વારા ભાવિકો માટે વિનામૂલ્‍યે શરબત, ચા, પાણી અને નાસ્‍તાના સેવાકેન્‍દ્રો પણ ઊભા કરવામાં આવશે.

આમ, પૂજ્‍ય જલારામ બાપાની ૨૨૭મી જન્‍મજયંતિને લઈને સમગ્ર વીરપુરમાં ભક્‍તિ, શક્‍તિ, સેવા અને ઉત્‍સાહનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો બાપાના દર્શનાર્થે વીરપુર ધામમાં પધારશે સમગ્ર ગામમાં ઉત્‍સવ જેવો માહોલ છવાયો છે.

 પૂજ્‍ય જલારામ  બાપાની ૨૨૭મી જયંતીને લઈને લોકોને તેમજ યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્‍કેલીઓ ન પડે તે માટે તંત્ર દ્વારા પણ તૈયારી કરવામાં આવી છે જેમાં યાત્રાળુઓની સુરક્ષા માટે વીરપુર પોલીસ દ્વારા  પોલીસ અધિકારીઓ સહિત ૮૮ જેટલા પોલીસ જવાનો તેમજ ૧૩૪ જેટલા જીઆરડી જવાનો અને ૨૫ જેટલા ટ્રાફિક બ્રિગેડ જવાનો વીરપુર આવતા યાત્રાળુઓની સુરક્ષા માટે તૈનાત રહેશે.

 તો બીજી તરફ યાત્રાળુઓને મુશ્‍કેલીઓ ના પડે તે માટે વીજ વિભાગ પીજીવીસીએલની ટિમ પણ ખડેપગે રહેશે.

(11:33 AM IST)