<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

માતાના મઢ દર્શન કરવા આવેલ મહિલાના પર્સમાંથી ત્રણ લાખના સોનાના દાગીનાની ચોરી

દિવાળીના વેકેશન દરમિયાન દર્શનાર્થીઓની ભીડનો લાભ લઈ તસ્કરોનો હાથફેરો; મૂળ જામનગરના અને હાલ ગાંધીનગર રહેતા ક્ષત્રિય પરિવાર સાથે બની ઘટના

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૪ :  કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે દિવાળીના વેકેશન દરમિયાન દર્શનાર્થીઓની ભારે ભીડ વચ્ચે ચોરીની ઘટના સામે આવી છે. માતાજીનાં દર્શન કરવા આવેલા એક મહિલા દર્શનાર્થીના પર્સમાંથી અજાણ્યો તસ્કર આશરે રૂ.૩.૧૩ લાખની કિંમતના સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મછલીવડ ગામના મૂળ વતની અને હાલ ગાંધીનગર ખાતે રહેતા વીરભદ્રસિંહ જુવાનસિંહ જાડેજા બેસતા વર્ષના દિવસે પત્ની સાથે માતાના મઢ ખાતે દર્શન કરવા આવ્યા હતા. બેસતા વર્ષના આ દિવસે માતાજીનાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દરમિયાન સવારે ૧૦ થી ૧૦/૧૫ વાગ્યાના અરસામાં જાહેર ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યો તસ્કર તેમની પત્નીના પર્સમાંથી દાગીનાની ચોરી કરી ગયો હતો. ચોરાયેલા દાગીનામાં સોનાની ચેન, એક સોનાનો સેટ, એક સોનાની મંગળમાળા, આઠ-આઠ ગ્રામની ચાર સોનાની વીંટીઓ તથા સોનાની બે બુટ્ટીનો સમાવેશ થાય છે. આ તમામ દાગીનાની કુલ કિંમત આશરે રૂ.૩.૧૩ લાખ થવા જાય છે. આ ઉપરાંત પર્સમાંથી જરૂરી દસ્તાવેજોની પણ ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

યાત્રાધામમાં દર્શનાર્થીઓની ભારે અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓમાં ચિંતા ફેલાઈ છે. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:24 AM IST)