<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ચોટીલાના ખુશીનગરમાં આગનું તાંડવઃ બે કાર બળીને ખાક

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૧૪: ખુશીનગર-૩ વિસ્‍તારમાં શુક્રવારે વહેલી સવારે આગની ગંભીર ઘટના સામે આવી હતી. ચાર વાગ્‍યાના અરસામાં એક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્‍તારમાં દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરતાં બાજુમાં પાર્ક કરેલી બીજી કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ચોટીલા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, ફાયર ટીમ આગ બુઝાવે ત્‍યાં સુધીમાં આગની લપેટમાં આવેલી બંને કાર બળીને ખાક થઈ ગઈ છે.

સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. જોકે, બંને કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.

આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્‍ય કોઈ કારણસર તે તપાસ બાદ જ સ્‍પષ્ટ થશે.( તસવીરઃ હેમલ શાહ).

(11:40 AM IST)