<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

ગિરનાર સ્થિત પ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠની થશે કાયાપલટ: વિકાસના પ્રાથમિક પ્લાનને વહીવટી તંત્રની મંજૂરી

યાત્રિકો અને VIP મહેમાનો માટે અદ્યતન ધર્મશાળા, હેલિપેડ વિસ્તારમાંથી દબાણો હટાવવા, પહોળા પગથિયાં, નવો ધ્વજદંડ અને આકર્ષક લાઈટિંગ સહિતની સુવિધાઓ વિકસાવાશે

જૂનાગઢ : ભારતના 52 શક્તિપીઠોમાં સ્થાન ધરાવતા ગિરનાર પર્વત સ્થિત પ્રસિદ્ધ અંબાજી મંદિર પરિસરના મોટા પાયે વિકાસ અને કાયાપલટ માટે તૈયાર કરાયેલા પ્રાથમિક પ્લાનને જૂનાગઢ વહીવટી તંત્રના અધિકારીઓએ મંજૂરી આપી દીધી છે. મંદિર વહીવટી શાસન હેઠળ આવ્યા બાદ દાનપેટીની આવકમાં થયેલા નોંધપાત્ર વધારા વચ્ચે શ્રદ્ધાળુઓની સુવિધાઓ વધારવા સમગ્ર પરિસરના આધુનિકીકરણનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ સામાન્ય યાત્રિકો તેમજ VIP મહેમાનો માટે અદ્યતન ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવશે, જેમાં ઉપર અને નીચે રૂમો, બેસવાની વ્યવસ્થા તથા ખાસ VIP રૂમોની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેથી ગિરનાર આવતા ભક્તો માટે રાત્રિ રોકાણ સરળ બનશે.

યાત્રિકોની અવરજવર અને સુવિધા માટે મંદિરની આસપાસના વિસ્તાર તથા હેલિપેડ એરિયામાં વર્ષોથી રહેલા દુકાનોના દબાણ દૂર કરવામાં આવશે, તેમજ મંદિરના પગથિયાં પહોળા કરીને બંને બાજુ બેઠક વ્યવસ્થા ઊભી કરાશે.

દુકાનો હટાવ્યા બાદ મંદિરની ડાબી બાજુ યાત્રિકો માટે બેસવાની જગ્યા અને આકર્ષક વોલ પેઈન્ટિંગ તૈયાર કરાશે, ઉપરાંત ગિરનારના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળવા હેલિપેડ વિસ્તારમાં ખાસ બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

પરિસરમાં સ્વચ્છતા અને જળ સંચય માટે છત પરથી વરસાદનું પાણી સીધું ટાંકામાં સંગ્રહિત થાય તેવી વ્યવસ્થા અને સુવ્યવસ્થિત ગટર લાઈનની કામગીરી હાથ ધરાશે, જ્યારે મંદિર પર નવો ધ્વજદંડ સ્થાપિત કરવા સાથે અંદર-બહાર આકર્ષક લાઈટિંગ પણ ગોઠવવામાં આવશે.

(6:27 PM IST)