<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

ઐતિહાસિક તીર્થસ્થાન ધોળા ખાતે ધનાબાપા ત્રિમંદિર દશાબ્દી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી : ધ્વજારોહણ, શોભાયાત્રા, રક્તદાન શિબિર અને ધર્મસભામાં ઉમટ્યો ભાવિકોનો મહેરામણ

મહંત બાબુરામજી ભગતના નેતૃત્વ અને દીપકભાઈ કાકડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા મહોત્સવમાં સંતોના આશીર્વાદ સાથે ગ્રામજનો માટે ધુમાડાબંધ ભોજન પ્રસાદ, સંધ્યા આરતી, કૃષ્ણલીલા અને 'એક ડાળના પંખી' જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જામી

ધોળા: ગોહિલવાડના ઐતિહાસિક તીર્થસ્થાન ધોળા સ્થિત ધનાભગત સ્થાન ખાતે લાભપાંચમના પાવન પર્વ નિમિત્તે શનિવારે ધનાબાપા ત્રિમંદિર દશાબ્દી મહોત્સવની અત્યંત આસ્થા અને ઉમંગ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહંત બાબુરામજી ભગતના માર્ગદર્શન અને કાર્યકર્તા સેવકોના સુંદર આયોજન હેઠળ દીપકભાઈ કાકડિયાના અધ્યક્ષસ્થાને આ મહોત્સવ સંપન્ન થયો હતો. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ધાર્મિક, સામાજિક અને રાજકીય મહાનુભાવો તેમજ ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન અને પૂજનનો લાભ લીધો હતો.

દશાબ્દી મહોત્સવના પ્રારંભે ધ્વજારોહણ પ્રસંગે દિનેશભાઈ ભીંગરાડિયા અને ભિખાભાઈ ખૂંટના નિવાસસ્થાનેથી ગંગનાથ મહાદેવના સાનિધ્ય સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ આ પાવન સ્થાન પર લવજીબાપુ અને માનસરોવરદાસબાપુ સહિતના પૂજ્ય સંતો-મહંતોની ગરિમામય ઉપસ્થિતિમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સંતોએ ધર્મ અને સેવાના મહિમા અંગે આશીર્વચન પાઠવ્યા હતા. આ સાથે જ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું, જેમાં સૌ ભાવિક સેવકોએ હરખભેર જોડાઈને માનવસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સાંજના સમયે રામજીભાઈ ગોયાણી, મનસુખભાઈ ગોયાણી તથા ભગવાનભાઈ ગોયાણી દ્વારા દિવ્ય સંધ્યા આરતી ઉતારવામાં આવી હતી, જેનો સૌ ભક્તોએ ભાવપૂર્વક લાભ લીધો હતો. આ અવસરે કાળુભાઈ ખૂંટ પરિવારના ભિખાભાઈ ખૂંટ, પ્રવિણભાઈ ખૂંટ તથા ઘનશ્યામભાઈ ખૂંટ તરફથી સમગ્ર ગામ માટે ધુમાડાબંધ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે હરેશભાઈ માણિયાના સંચાલન હેઠળ 'એક ડાળના પંખી' કાર્યક્રમની પ્રસ્તુતિ થઈ હતી, તેમજ હિંમતભાઈ ભીંગરાડિયા અને રાજેશભાઈ ભીંગરાડિયાના સૌજન્યથી આયોજિત કૃષ્ણલીલાના કાર્યક્રમની સૌ ગ્રામજનો અને ભાવિકોએ મન મૂકીને મોજ માણી હતી. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા મહંત બાબુરામ ભગત, ડાયાભાઈ કાકડિયા તથા ધનાબાપા સેવા સંસ્થાનના હોદ્દેદારો, દાતાઓ અને કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)

(11:05 PM IST)