તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
'જય જલારામ'ના નાદ સાથે 500 કિમીનું અંતર કાપ્યું : સુરતના 35 યુવાનોની સાયકલ યાત્રા વીરપુર(જલારામ) પહોંચી
યુવાનો માત્ર પૂ.જલારામબાપા પ્રત્યેની શ્રદ્ધા જ નહીં, પરંતુ સામાજિક જાગૃતિનો સંદેશ પણ સાથે લઈને આવ્યા : પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનને પ્રાધાન્ય

(કિશન મોરબીયા દ્વારા)વીરપુર(જલારામ)તા.૧૬ : સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર ખાતે પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જલારામ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા સુરત જિલ્લાના ઉન ગામના 35 જેટલા યુવાનોએ અનોખી રીતે પોતાની ભક્તિ વ્યક્ત કરી હતી. આ યુવાનોએ સુરતથી સાયકલ યાત્રાનો પ્રારંભ કરી અંદાજે 500 કિલોમીટરનું અંતર કાપીને 'જય જલારામ'ના નાદ સાથે યાત્રાધામ વીરપુર આવી પહોંચ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, સુરત જિલ્લાના ઉન ગામેથી આ યુવાનોએ ચાર દિવસ અગાઉ સાયકલ યાત્રા શરૂ કરી હતી. દરરોજ અંદાજે 100થી 150 કિલોમીટરનું અંતર કાપીને તેઓ વીરપુર પહોંચ્યા હતા. આ સાયકલ યાત્રાનું વિશેષ આકર્ષણ એ રહ્યું હતું કે યુવાનો માત્ર જલારામ બાપા પ્રત્યેની શ્રદ્ધા જ નહીં, પરંતુ સામાજિક જાગૃતિનો સંદેશ પણ સાથે લઈને આવ્યા હતા.
સાયકલ યાત્રી પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 23 વર્ષથી તેઓ અલગ-અલગ સંદેશ અને વિચારો સાથે વીરપુર આવતા રહ્યા છે. આ વર્ષે તેમણે પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનને પ્રાધાન્ય આપીને સાયકલ યાત્રા યોજી હતી. યાત્રા દરમિયાન કોઈપણ સાયકલ સવાર દ્વારા પ્લાસ્ટિકની પાણીની બોટલ કે અન્ય પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. પૂજ્ય જલારામ બાપાની કૃપાથી 500 કિલોમીટરની આ લાંબી યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહોતો.
આમ, જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે 500 કિલોમીટરની સાયકલ યાત્રા કરીને વીરપુર પહોંચેલા 35 યુવાનોએ પોતાની અતૂટ શ્રદ્ધાની સાથે પર્યાવરણ જતન અને પ્લાસ્ટિક મુક્ત ભારતનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. વીરપુરમાં બાપાના દર્શન કરી જન્મજયંતિની ઉજવણીમાં સહભાગી બની યુવાનો ધન્યતા અનુભવશે અને ત્યારબાદ પોતાના વતન સુરત પરત ફરશે.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
