તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
જામનગરમાં ભેળસેળયુકત દુધ અને ઘીના વેચાણ સામે કોર્પોરેશન તંત્રની કામગીરી
ફુડ ઍન્ડ સેફટી ઓફિસરો અને ટીમે નમુના લઇને લેબોરેટરીમાં મોકલ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧ઃ શહેરમાં ભેળસેળયુક્ત દૂધ અને ઘીના વેચાણ પર લગામ કસવા માટે મહાનગરપાલિકાની ફૂડ શાખા ઍક્શન મોડમાં આવી છે. કાલાવડના મેવાસામાં પકડાયેલા દૂધના પ્રકરણ બાદ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે છેલ્લા ત્રણ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં શંકાસ્પદ જણાતા ૧૭૦ લિટર દૂધનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે અને ૬૦થી વધુ નમૂનાઓ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં કાલાવડના મેવાસા ખાતે ઝડપાયેલા દૂધના જથ્થાના પગલે, જામનગર મનપા કમિશનરના હુકમ અનુસાર ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં ઘનિષ્ઠ તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ કામગીરી અંતર્ગત ટીમ દ્વારા રણજીત સાગર રોડ સહિતના વિસ્તારોમાં આવેલી મોટી ડેરીઓ તેમજ ખોડિયાર કોલોની સ્થિત કાના માલધારી હોટલ ખાતેથી દૂધ અને ઘીના નમૂનાઓ ઍકત્ર કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન સ્થળ પર કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણમાં ઍબનોર્મલ રિઝલ્ટ આવતા આશરે ૧૭૦ લિટર જેટલા અખાદ્ય દૂધનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
સમગ્ર ડ્રાઈવ દરમિયાન ફૂડ શાખાઍ કુલ ૫૧ નમૂના જામનગરની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ઇન્સ્પેક્શન માટે મોકલ્યા છે. આ ઉપરાંત, ઍન્ફોર્સમેન્ટના ૩ અને સર્વેલન્સના ૭ મળીને કુલ ૧૦ નમૂનાઓ વધુ પરીક્ષણ અર્થે વડોદરા ખાતેની લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.(તસવીરઃ કિંજલ કારસરીયા- જામનગર મહાનગરપાલિકા) (૨૩.૧૪)
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
