News of Monday, 16th November 2026
વિરપુર (જલારામ)માં પૂ.જલારામબાપા જન્મજયંતિની ઉજવણીઃ ભકતોનું ઘોડાપુર
મંદિરની બન્ને બાજુ એક-એક કિ.મી.ની લાં...બી લાઇનોઃ પૂજન, અર્ચન, દર્શન કરીને ભકતોએ ધન્યતા અનુભવી

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા.૧૬: ‘‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો''ના માનવતાવાદી મંત્રને જીવનભર સાર્થક કરનાર, ભજન અને ભોજન દ્વારા દેશ-વિદેશમાં સેવાની સુવાસ ફેલાવનાર સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની આજે ૨૨૭મી જન્મજયંતિ છે. ત્યારે બાપાની જન્મભૂમિ એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં જાણે બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો છે. બાપાની જન્મજયંતિ નિમિત્તે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. વહેલી સવારની પ્રથમ આરતીનો લાભ લેવા મોડી રાતથી જ ભક્તો વીરપુરમાં આવી પહોંચ્યા હતા. મંદિરની બંને બાજુ અંદાજે એક-એક કિલોમીટર સુધી લાંબી કતારો જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આજે ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિને લઈને સમગ્ર વીરપુર ધામ ભક્તિમય બન્યું છે.
બાપાની જન્મજયંતિના પાવન અવસરે વહેલી સવારે પૂજ્ય બાપાના પરિવારજનો દ્વારા બાપાની સમાધિ ખાતે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ નિજ મંદિરે પરંપરાગત રીતે પ્રથમ આરતી ઉતારવામાં આવી હતી અને ભાવિકો માટે દર્શન ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં.
પ્રથમ આરતી અને મંગળ દર્શનનો લાભ લેવા માટે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો અને વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો વીરપુર આવી પહોંચ્યા હતા. વહેલી સવારથી જ મંદિરની બંને બાજુ અંદાજે એક-એક કિલોમીટર લાંબી કતારો લાગી હતી અને ‘‘જય જલારામ''ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.
જલારામ જયંતિની ઉજવણીને લઈને વીરપુરવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગામના દરેક ઘરના આંગણે રંગોળી, દરવાજે આસોપાલવનાં તોરણ અને મકાનો પર રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. મુખ્ય માર્ગો અને ચોક-ચોરાહાઓ પર પૂજ્ય જલારામ બાપાના જીવનકવન અને સેવાકાર્યોને દર્શાવતી આકર્ષક ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે. સમગ્ર યાત્રાધામને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે અને જાણે વીરપુરમાં બીજી દિવાળી ઉજવાઈ રહી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.
વીરપુર આવતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા ઠેરઠેર સેવાકીય પ્રવળત્તિઓ કરવામાં આવી રહી છે. વીરપુર પહોંચવાના માર્ગો પર પાણી, સરબત અને છાશના પરબ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે અનેક સ્થળોએ ભાવિકો માટે પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
ખાસ કરીને પૂજ્ય બાપાની ૨૨૭મી જન્મજયંતિના અવસરે જ્યોત્સવ સમિતિ દ્વારા ૨૨૭ કિલો બુંદીના પ્રસાદનું ભાવિકોને વિતરણ કરવામાં આવનાર છે.
આ વર્ષની જલારામ જયંતિ વધુ વિશેષ બની છે. કારણ કે પૂજ્ય જલારામ બાપાનો જન્મ કારતક સુદ સાતમના પવિત્ર દિવસે સોમવારે થયો હતો. અને આ વર્ષે પણ બાપાની ૨૨૭મી જન્મજયંતિ કારતક સુદ સાતમ અને સોમવારના શુભ સંયોગમાં ઉજવાઈ રહી છે.
વર્ષો બાદ ફરી એકવાર આ પાવન તિથિ અને વારનો સુભગ સંયોગ સર્જાતાં ભાવિકોમાં વિશેષ આસ્થા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાપાના દર્શન અને પ્રથમ આરતીનો લાભ લેવા માટે વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી છે.
તો આ છે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની પાવન જન્મભૂમિ વીરપુર, જ્યાં આજે ૨૨૭મી જન્મજયંતિના પાવન અવસરે આસ્થાનો મહાસાગર ઉમટયો છે. એક તરફ મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે, તો બીજી તરફ સમગ્ર ગામને રંગોળી, તોરણો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
દેશ-વિદેશમાંથી આવેલા ભાવિકો બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સેવાભાવી લોકો દ્વારા પણ ઠેરઠેર પાણી, સરબત, છાશ અને પ્રસાદની સેવા કરવામાં આવી રહી છે.
‘‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો''ના સંદેશને સાર્થક કરનાર પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિએ આજે સમગ્ર વીરપુર ધામ ભક્તિ, ભોજન અને ભજનના રંગે રંગાયું છે.(૨.૭)
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
