<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

જેતપુરમાં અજાણી મહિલાની લાશનો ભેદ ઉકેલાયોઃ હત્‍યામાં ફઈ સહિત ૪ની ધરપકડ

સોડામાં ઝેરી દવા પીવડાવી છતાં જીવિત રહેતા ચૂંદડી વડે ગળે ટૂંપો આપી હત્‍યા કરી, ૯૦ જેટલા સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે આરોપીઓને દબોચ્‍યાઃ જેતપુર સિટી પોલીસ ટીમની કાર્યવાહી

રાજકોટ તા.૧૪: જેતપુર શહેર વિસ્‍તારના નવાગઢ રોડ ઉપર રેલવે સ્‍ટેશન જવાના રસ્‍તા પાસે બંધ કેબીનની પાછળના ભાગેથી ગત તા. ૧૧/૧૧/૨૦૨૬ ના રોજ એક ૩૫ થી ૪૦ વર્ષની, શરીરે મજબૂત બાંધાની, ઊંચાઈ આશરે ૫.૬ ફૂટ જેટલી, જેના ડાબા હાથ ઉપર છૂંદણા (ત્રાજવા) ત્રોફાવેલ અજાણી મહિલાની લાશ મળી આવી હતી. જે લાશનું જેતપુર સીટી પોલીસ સ્‍ટેશન સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રી નંબર-૧૩/૨૦૨૬ તા. ૧૧/૧૧/૨૦૨૬ ના કલાક ૧૧/૨૫ વાગ્‍યાના કામે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ફોરેન્‍સિક પી.એમ. કરાવતા અજાણી મહિલાનું મોત કોઈપણ રીતે મહિલાને ગળે ટૂંપો આપી મોત નિપજાવેલ હોવાનું જણાય આવેલ હતું.

અજાણી મહિલાના હત્‍યાના બનાવની ગંભીરતાને ધ્‍યાને લઈને રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ રેન્‍જ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS) રાજકોટ ગ્રામ્‍ય તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સિમરન ભારદ્વાજ (IPS) I/C જેતપુર વિભાગ, જેતપુર નાઓએ અજાણી મહિલાની લાશની ઓળખ કરી, હત્‍યાનો વણશોધાયેલ ગુનો ઉકેલવા સૂચના આપેલ હતી.

જે અનુસંધાને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ.એચ. શર્માની રાહબરી હેઠળ પો.સ.ઈ આર.બી. બલદાણિયા તથા બી.ડી. મારુ તથા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી જે જગ્‍યા ખાતેથી મહિલાની લાશ મળી આવેલ હોય તે જગ્‍યાની આજુબાજુના સી.સી.ટી.વી. કેમેરા જોતા ત્‍યાં આગળ એક શંકાસ્‍પદ રીક્ષામાં ચાર માણસો આવેલ હોવાનું જણાય આવેલ હતું. જેથી તે રીક્ષા તથા તેમાં આવેલ માણસો જે રૂટ મારફતે આવેલ હતા તે રૂટના આશરે ૯૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરા જોઈ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્‍ટેલિજન્‍સની મદદથી તે રીક્ષા તથા માણસોને શોધી કાઢી તેને પોલીસ સ્‍ટેશન ખાતે લઈ આવી તેની યુક્‍તિ પ્રયુક્‍તિથી પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી ગયેલ અને જણાવેલ કે આ કામે મરણજનાર આરોપી રાધા સૈયદ શેખ તથા મધુ લક્ષ્મણ ઉર્ફે લખો પીરુનાથ આંકોલીયાની સગી ફઈ થતી હોય અને તેના સગા ભત્રીજા નામે રવિ ધરમશીભાઈ વાઘેલા સાથે આડા સંબંધો હોય જે બાબતે આરોપીઓને પસંદ ન હોય અને જે વાતને લઈને તેઓ વચ્‍ચે નાના મોટા ઝગડાઓ ચાલતા હોય જેથી આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરું રચી આ કામે મરણજનારને જૂનાગઢ ખાતેથી રીક્ષામાં સાથે બેસાડી જેતપુર ખાતે લઈ આવી સોડામાં ઝેરી દવા ભેળવી તેને પીવડાવી દીધેલ હોય પરંતુ મરણજનાર જીવિત રહી જતા ફરી વખત તેને ચૂંદડી વડે ગળે ટૂંપો આપી મરણજનારનું મોત નિપજાવેલ હોવાની કબૂલાત આપેલ હોય જેથી આરોપીઓને સદરહુ ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે.

 મરણજનારનું નામ હકુબેન વા/ઓ. ભાવેશભાઈ પરમાર રહે. હાથીધાર પાલીતાણા, જી. ભાવનગર હોવાનું જાણવા મળ્‍યું છે. શોધી કાઢેલ હત્‍યાનો ગુનો જેતપુર સીટી પોલીસ સ્‍ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૨૨૬-૦૮૦૮/૨૦૨૬ ભારતીય ન્‍યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૦૩(૧), ૬૧(૨), ૩(૫) મુજબનો છે. પકડાયેલ આરોપીઓમાં (૧) લક્ષ્મણનાથ ઉર્ફે લખો પીરુનાથ આંકોલીયા રહે. રાજકોટ ગોકુલધામ, ખોડીયારનગર, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ઝૂંપડામાં (૨) લુપ્ત ભાઈ પોપટભાઈ વાઘેલા રહે. હાલ જૂનાગઢ ખલીલપુર રોડ, જીનીયસ સ્‍કૂલ પાસે ઝૂંપડામાં રહે મૂળ ડાયા હરખા નો પ્‍લોટ, પાલીતાણા રોડ, ગારીયાધાર, જિલ્લો-ભાવનગર (૩) મધુબેન વા/ઓ લક્ષ્મણભાઈ પીરૂનાથ આંકોલીયા રહે. જૂનાગઢ ખલીલપુર રોડ જીનીયસ સ્‍કૂલ પાસે ઝૂંપડામાં તા.જી. જૂનાગઢ (૪) રાધાબેન વા/ઓ સૈયદ શેખ તથા ડો/ઓ ધરમશીભાઈ કાળુભાઈ વાઘેલા રહે. ગારીયાધાર ધાંચીવાડ, વેણકીનેર ના કાંઠે, લાખમુ મા ના ભાડાના મકાનમાં રહે મૂળ મોતીતળાવ હનુમાન દાદાના મંદીર પાસે શેરી નં. ૦૧ તા.જી. ભાવનગરનો સમાવેશ થાય છે.

આરોપીઓ પાસેથી એક લાલ કલરની ચૂંદડી, ઝેરી દવાની બોટલ અને અતુલ શક્‍તિ ઓટો રીક્ષા કબ્‍જે કરવામાં આવી છે.

(12:54 PM IST)