News of Wednesday, 18th November 2026
સર્વોત્તમ ડેરી ખાતે ૭૩મા અખિલ ભારતીય સહકાર સપ્તાહના પાંચમા દિવસે પશુપાલન શિબિર અને સેક્સ સોર્ટેડ સીમેન અંગે માર્ગદર્શન અપાયું
સનાતન ધર્મ પ્રચારક હિતેશદાદા ભટ્ટના આશીર્વચન અને સ્થાપક-મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જોષીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અખિલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણી : જમીન ન હોવા છતાં ૪૦ પશુઓ સાથે સફળ પશુપાલન કરતા કરશનભાઈ મકવાણા અને અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ

ભાવનગર: અખિલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત સર્વોત્તમ દાણ ફેક્ટરી ખાતે સર્વોત્તમ ડેરી દ્વારા ૭૩મા સહકાર સપ્તાહના પાંચમા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં સનાતન ધર્મ પ્રચારક હિતેશદાદા ભટ્ટ, સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જોષી, ડાયરેક્ટરઓ, અધિકારીગણ તેમજ વિવિધ મંડળીઓમાંથી આવેલા પ્રમુખ, મંત્રી અને વ્યવસ્થાપક કમિટીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સફળ પશુપાલકના પ્રેરણાદાયી અનુભવો અને સેક્સ સોર્ટેડ સીમેનનો વ્યાપ:
કાર્યક્રમમાં ચૂણા ગામના સફળ પશુપાલક કરશનભાઈ મકવાણાએ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે તેમની પાસે એક પણ વીઘો જમીન ન હોવા છતાં તેઓ સેક્સ સોર્ટેડ સીમેન ડોઝથી જન્મેલી ૧૧ પાડી અને ૪ વાછરડી સહિત કુલ ૪૦ પશુઓ ધરાવે છે. તેમના પરિવારના ૨૨ સભ્યો પશુપાલન વ્યવસાય સાથે જોડાઈને આના જ માધ્યમથી જીવન નિર્વાહ કરે છે. ખેતી ન હોય તો પણ પશુપાલનથી આવક વધારી શકાય છે તેમ જણાવી તેમણે ડેરીના બીજદાન વર્કરની સેવા લેવા અનુરોધ કર્યો હતો. કળસાર ગામના સફળ એઆઈ વર્કર અજયભાઈ મકવાણાએ વર્ષ દરમિયાન ૨૭૦૦ થી ૨૮၀၀ સેક્સ સોર્ટેડ સીમેન ડોઝ મૂકી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હોવાનું જણાવી આ પદ્ધતિથી શુદ્ધ ગીર ગાય અને શુદ્ધ જાફરાબાદી ભેંસની ઓલાદ તેમજ વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાતું હોવાની માહિતી આપી હતી.
ડાયરેક્ટર અને ચીફ જનરલ મેનેજર દ્વારા માર્ગદર્શન:
ડાયરેક્ટર માવજીભાઈ ભાલીયાએ આ શિબિરને સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જનાર ગણાવીને પશુપાલકોને આધુનિક પશુપાલન અપનાવવા અપીલ કરી હતી. સર્વોત્તમ ડેરીના ચીફ જનરલ મેનેજર યોગેશકુમાર જોષીએ પશુઓની બીમારી કે ઓપરેશન જેવા કિસ્સાઓમાં ડેરી દ્વારા નિષ્ણાત તબીબો દ્વારા ટોકન દરે અપાતી પશુ સારવારનો લાભ લેવા જણાવ્યું હતું. સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જોષીએ ડેરી દ્વારા પૂરા પાડવામાં આવતા ઉત્તમ બિયારણ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓછા ખર્ચે અને ઓછી જગ્યામાં પૂરતા પોષક તત્વોયુક્ત ઘાસચારો મેળવીને પશુપાલકો આર્થિક ફાયદો મેળવી શકે છે.
હિતેશદાદા ભટ્ટના આશીર્વચન:
કાર્યક્રમના અંતે સનાતન ધર્મ પ્રચારક હિતેશદાદા ભટ્ટે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે પશુપાલન વ્યવસાયને વધુ નફાકારક બનાવવા આવા આયોજનો નિયમિત થવા જોઈએ. તેમણે સર્વોત્તમ ડેરી દ્વારા ગાયના દૂધના શ્રેષ્ઠ ભાવ આપવામાં આવતા હોવા પર પ્રસન્નતા વ્યક્ત કરી પશુપાલકોને આશીર્વાદ પાઠવ્યા હતા. (અહેવાલ - મુકેશ પંડિત)
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
