તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 7th November 2026
જામનગર સહિત ગુજરાતમાં ચકચાર જગાવનાર સૌરાષ્ટ્રના અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમાર સુસાઇડ કેસમાં હાઈકોર્ટનો મોટો આદેશ : 11 આરોપીઓની ધરપકડ પર સ્ટે
153 કરોડથી વધુની મિલકતો વ્યાજમાં પડાવી લેવા અને ખંડણીના આરોપો વચ્ચે 11 આરોપીઓને વચગાળાની રાહત, આગામી સુનાવણી 16 ડિસેમ્બરે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ : સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર સૌરાષ્ટ્રના અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમારના સુસાઇડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. 153 કરોડ રૂપિયાથી વધુની મિલકતો વ્યાજખોરીમાં પડાવી લેવાના અને વ્યાજની પઠાણી ઉઘરાણી તેમજ ખંડણી વસૂલાતના ગંભીર આરોપો ધરાવતા આ કેસમાં સંડોવાયેલા તમામ 11 આરોપીઓની આગોતરા જામીન અરજીમાં હાઈકોર્ટે ધરપકડ કરવા ઉપર હાલ પૂરતો સ્ટે ફરમાવી દીધો છે. જેના પગલે આરોપીઓને મોટી વચગાળાની રાહત મળી છે.
આ કેસ મૃતક મેરામણભાઈ હરદાસભાઈ પરમારના અવસાન સાથે જોડાયેલો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 10 જાન્યુઆરી 2025 ના રોજ તેઓ કે.ડી. હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લઈ જવામાં આવ્યા હતા અને ડેથ સમરી મુજબ કાર્ડિયાક અરેસ્ટ તથા હૃદય સંબંધિત જટિલતાઓને કારણે તેમનું અવસાન થયું હતું. આ મામલે લાંબા સમય બાદ 27 ઓગસ્ટ 2026 ના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જ્યારે આ બાબતે અગાઉ 31 જાન્યુઆરી 2025 ના રોજ પણ કેટલીક વ્યક્તિઓના નામ સાથે ગાંધીનગર પોલીસમાં મૃતકના પુત્ર દ્વારા ફરિયાદ નોંધવા અરજી થઈ હતી.
ફરિયાદપક્ષ દ્વારા 29 ડિસેમ્બર 2024 અને 2 જાન્યુઆરી 2025 ની સુસાઇડ નોટ્સને આધાર બનાવવામાં આવ્યો છે, જે 21 જાન્યુઆરી 2025 ના રોજ મળી આવી હતી. જેમાં વ્યાજખોરી અને નાણાકીય લેવડદેવડ બાબતે હેરાનગતિના આક્ષેપો કરાયા છે.
જો કે, તપાસના કાગળો અને દસ્તાવેજો દર્શાવે છે કે મૃતક અને તેમના પરિવારના સભ્યો દ્વારા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજો કરવામાં આવ્યા હતા, તેમજ ધીરાણ કરેલી રકમ અને પ્રોપર્ટી બાબતે સિવિલ દાવાઓ પણ અગાઉથી દાખલ થયેલા છે. ખાસ કરીને, મહિલાઓને ફરિયાદમાં આરોપી બનાવવામાં આવી છે પરંતુ સુસાઇડ નોટોમાં તેઓના નામો દર્શાવેલા નથી. તેમજ વિશાલભાઈ પ્રવીણભાઈ દોમડીયાનું પણ નામ સુસાઇડ નોટમાં નથી અને તેઓ માત્ર મૃતક પાસેથી મિલકતો ખરીદનાર તરીકેની ભૂમિકામાં હોવાનું આરોપીપક્ષનું કહેવું છે.
આ સમગ્ર કેસમાં પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ દોમડીયા, વિશાલભાઈ પ્રવીણભાઈ દોમડીયા અને કાંતાબેન પ્રવીણભાઈ દોમડીયા તરફથી ગુજરાત હાઈકોર્ટમાં જાણીતા જામનગરના સિનિયર એડવોકેટ નાથાલાલ પી. ઘાડીયા, હસમુખ એમ. મોલીયા, અર્પિત એમ. રૂપાપરા, પરેશ એસ. સભાયા તથા ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર કાઉન્સિલ અંસીન દેસાઈ અને પ્રવીણ ગોંડલીયા રોકાયેલા છે.
બંને પક્ષની દલીલોને ધ્યાને લઈને નામદાર ગુજરાત હાઈકોર્ટે દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ પ્રાથમિક તબક્કે અરજદારોને ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું છે અને આગામી તારીખ સુધી કોઈ પગલાં ન લેવા આદેશ કર્યો છે. હવે આ અરજીની સુનાવણી તારીખ 16-12-2026 ના રોજ મુકરર કરવામાં આવી છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
