<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

આટકોટ પાસેથી મહિલાનું અપહરણ અને દુષ્‍કર્મના ગુનામાં આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્‍ય પોલીસ

આટકોટ પોલીસની સતર્કતા અને રાજકોટ ગ્રામ્‍ય પોલીસની સંયુક્‍ત કામગીરીથી ગુનાના આરોપીઓ ઝડપાયા

(કરશન બામટા દ્વારા) આટકોટ તા.૨૧: રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત આટકોટ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં બનેલા મહિલા અપહરણ અને દુષ્‍કર્મના બનાવમાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવ્‍યા છે.

ફરિયાદી મહિલા પોતાના પતિ અને પતિના મિત્ર સાથે મોટરસાયકલ પર પાંચવડાથી ત્રંબા પાસે આવેલા આશ્રમ ખાતે મેલડી માતાજીનાં દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત પાંચવડા ગામ તરફ આવી રહ્યા હતા ત્‍યારે તા. ૧૮/૧૧/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે ૧૦ વાગ્‍યાના સમયે આટકોટ-ગોંડલ ચોકડી પાસે આ બનાવ બન્‍યો હતો.

પ્રાથમિક વિગતો મુજબ, આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી મોટરસાયકલ પર આવેલા બે અજાણ્‍યા શખ્‍સો દ્વારા ફરિયાદીની મોટરસાયકલને અટકાવવામાં આવી હતી. ત્‍યારબાદ કારમાં આવેલા ચાર અજાણ્‍યા શખ્‍સોએ ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. આરોપીઓ ફરિયાદીને વિરનગર ગામની સીમમાં આવેલી વાડીએ લઈ ગયા હતા અને ત્‍યાં તેમની સાથે દુષ્‍કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ બનાવને ગંભીરતાથી લઈને રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષક નવીન ચાવડા રૈયાણી તથા એસ.ડી.પી.ઓ. જસદણના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સતત તપાસ અને મહેનતના અંતે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી પી.આઈ. જે.પી. રાવ, પી.આઈ. આર.એમ. રાઠોડ, પી.એસ.આઈ. પી.એન. ભરવાડ તથા આટકોટ પોલીસ સ્‍ટેશનની ટીમ અને એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યની ટીમે કરી હતી.

(11:42 AM IST)