<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

જામનગર શહેરના પંચવટી સોસાયટી વિસ્તારના રહેણાંક ફ્લેટમાંથી રૂ. ૧.૭૮ લાખની કિંમતની ૧૮૦ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો : એલ.સી.બી. પોલીસે મોબાઈલ સહિત કુલ રૂ. ૧,૮૩,૧૩૮ના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો

મોદી સ્કૂલની પાછળ આવેલા મોહન એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને મૂળ ભાણવડ તાલુકાના શખ્સની ધરપકડ કરાઈ : દારૂનો જથ્થો સપ્લાય કરનાર પોરબંદર જિલ્લાના બગવદર પંથકના શખ્સને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: શહેર અને જિલ્લામાંથી દારૂ તથા જુગારની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) દ્વારા શહેરના એક રહેણાંક ફ્લેટ પર સફળ દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રૂ. ૧,૭૮,૧૩૮ની કિંમતની ૧૮૦ નંગ ઈંગ્લીશ દારૂની બોટલો તેમજ રૂ. ૫,૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧,૮૩,૧૩૮ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર અન્ય એક શખ્સને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

ખાનગી બાતમીના આધારે મોહન એપાર્ટમેન્ટમાં દરોડો:
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા પ્રોહીબિશન અને જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના પગલે જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) ના આદેશથી LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.વી. ભાટીયા તથા સ્ટાફના માણસો તા. ૧૨/૧૧/૨૦૨૬ના રોજ જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન LCB સ્ટાફના રૂષીરાજસિંહ વાળા તથા મયુરસિંહ પરમારને ચોક્કસ ખાનગી સંયુક્ત બાતમી મળી હતી કે, જામનગરમાં પંચવટી સોસાયટી, મોદી સ્કૂલની પાછળ આવેલા મોહન એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામના વતની લખમણભાઈ કારાભાઈ હુંણે પોતાના કબજાના ફ્લેટમાં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતાર્યો છે.

દારૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સની શોધખોળ શરૂ:
બાતમીના આધારે પોલીસ ટીમે ઉપરોક્ત રહેણાંક ફ્લેટ પર દરોડો પાડતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની ૧૮૦ બોટલો (કિંમત રૂ. ૧,૭૮,૧૩૮) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫,૦૦૦) મળી કુલ રૂ. ૧,૮૩,૧૩૮નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી આરોપી લખમણભાઈ કારાભાઈ હુંણની અટકાયત કરી હતી. આ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલાએ ફરિયાદ રિપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ જાડેજાએ પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો માલદીવારી નેશ, બગવદર (તા. જિ. પોરબંદર) ખાતે રહેતા અને મૂળ ખોડીયાર નેશ, આદીત્યાણા ગામ (તા. રાણાવાવ, જિ. પોરબંદર) ના વતની બાલુભાઈ નાથાભાઈ કોડીયાતરે સપ્લાય કર્યો હોવાનું ખૂલતા પોલીસે તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

કામગીરીમાં જોડાયેલી પોલીસ ટીમ:
આ સમગ્ર સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.વી. ભાટીયા તેમજ LCB સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઈ વીરડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા શ્રીમતી ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(11:10 PM IST)