News of Sunday, 8th June 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દ્વારકા ખાતે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતો અને ગૌશાળા સંચાલકોને માર્ગદર્શન આપ્યું : ગાયનું છાણ-ગૌમૂત્ર દૂધ કરતાં પણ વધુ મૂલ્યવાન
'ગૌ માતા સમગ્ર વિશ્વની માતા છે, તેની સેવા સૌથી મોટું પુણ્યનું કાર્ય' - રાજ્યપાલ : આધુનિક યુગમાં ગાયની ઉપયોગિતાથી અપરિચિત ન થવા અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પર ભાર મૂક્યો

ગાંધીનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમા દ્વારકાના ભથાણ ચોક ખાતે આવેલી દ્વારકા ગૌશાળા ખાતે આજે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને ગૌશાળાના સંચાલકોને સંબોધન કરતા પ્રાકૃતિક ખેતીના પ્રખર સમર્થક રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની ભૂમિ ઋષિ અને કૃષિની ભૂમિ રહી છે. વેદો, પુરાણો સહિતના શાસ્ત્રોમાં તમામ પશુ-પક્ષીઓમાં ગૌ માતાને સૌથી વધારે સન્માન આપવામાં આવ્યું છે. ગૌ માતા પોતાના સમગ્ર જીવનકાળ સુધી પોતાનું દૂધ આપીને સેવા કરે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યું હતું કે, ગૌ માતાનું દૂધ તમામ દૂધ કરતાં સર્વોત્તમ છે, તેનું મુખ્ય કારણ એના દૂધમાં પોતાના બાળકો માટે જે આપણાપણું હોય છે તે જોવા મળે છે. તેમણે કહ્યું કે ગાયના દૂધમાં અનેરી મમતા અને સ્નેહ રહેલો હોય છે, જે બીજા પ્રાણી કરતાં ઘણો વિશેષ હોય છે. તેમણે જણાવ્યું કે ગાયનું દૂધ માનવ શરીર સૌષ્ઠવ અને રોગ પ્રતિકાર શક્તિ માટે સર્વોત્તમ છે, તેવું વૈજ્ઞાનિકોનું પણ માનવું છે. આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીના વિકાસ થકી દરેક ક્ષેત્રે ક્રાંતિ આવી છે, જેના પરિણામે આપણે ગૌ માતાની ઉપયોગિતા અને તેના સર્વોત્તમ ગુણોથી અપરિચિત થયા છીએ.
તેમણે કહ્યું હતું કે, વેદોમાં કહેવાયું છે કે, હે માનવ જો તારે તારા ઘર, સમાજ અને રાષ્ટ્રને ઉન્નત અને સર્વોત્તમ બનાવવું હોય તો તેનો માત્ર એક જ ઉપાય છે: ગૌ માતાનું સંરક્ષણ. આજના ઝડપી સમયમાં જ્યારે રોગો તથા બીમારીઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગૌ માતાનું દૂધ તમામ રોગોથી બચવા માટે શ્રેષ્ઠ છે તેમ વૈજ્ઞાનિકોએ પણ સ્વીકૃત કર્યું છે.
ધરતીને આપણે આપણી માતા માનીએ છીએ તેવું કહી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આપણે જ તેનો વિનાશ કરી રહ્યા છીએ. ડીએપી, યુરિયા જેવા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના આડેધડ વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રકૃતિની સમતુલા ખોરવી નાખી છે. તેમણે રાસાયણિક કૃષિને ધીમા ઝેર સમાન ગણાવી, જેના પરિણામે આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે અને જળવાયુ ખરાબ થઈ રહ્યું છે. આ વિષચક્રમાંથી મુક્ત થવું હશે તો પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું પુણ્ય કાર્ય કરવું પડશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગમાં લેવાતા ગૌમૂત્ર અને ગોબર પણ ગૌ માતા જ આપે છે જે ગૌ માતાના દૂધ કરતા પણ વધારે મૂલ્યવાન છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ધરતીપુત્રો રાસાયણિક કૃષિ ત્યજી પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે "રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન" બનાવી પ્રાકૃતિક કૃષિ અભિયાનને નવી દિશા આપી છે, જેના માટે રાજ્યપાલે વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ધરતીપુત્રો જો ગૌ માતાનું સંરક્ષણ અને સંવર્ધન કરે તથા તેનું પાલનપોષણ કરે તો ગૌ માતા તેમની આર્થિક ઉન્નતિમાં યોગદાન આપી ધરતીપુત્રોને આત્મનિર્ભર બનાવી શકે છે.
આ પ્રસંગે મહાનુભાવો દ્વારા મોમેન્ટો અર્પણ કરીને રાજ્યપાલનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ગિરીશ શાહે સંસ્થા પરિચય આપીને ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ ગૌસેવાને લગતા કાર્યોની અને ભવિષ્યના આયોજનની રૂપરેખા આપી હતી. રાજ્યપાલે દાતા તેમજ ગૌસેવકોનું સન્માન કર્યું હતું. સંસ્થાના અગ્રણી રામજીભાઈ મજીઠીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગૌશાળાની મુલાકાત લઈ રાજ્યપાલે ગૌશાળાના ટ્રસ્ટીઓ અને ગૌસેવકો સાથે બેઠક કરીને ગૌ સંવર્ધન અને ગૌશાળા સંચાલન માટે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર સહિત અધિકારીઓ, ગૌશાળાના ટ્રસ્ટીઓ તેમજ ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
