<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

દ્વારકાની ગોમતી નદીમાં અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા તંત્ર સતર્ક : હાઈસ્પીડ રેસ્ક્યુ બોટ અને સુરક્ષા જવાનો સ્ટેન્ડબાય

તાજેતરમાં યાત્રીઓના ડૂબવાના બનાવોને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા ડિઝાસ્ટર વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે ગોમતી ઘાટો પર દોરડા બાંધવાની કામગીરી અને સુરક્ષા વધારાઈ

(દીપેશ સામાણી દ્વારા), દ્વારકા : યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં તાજેતરમાં બનેલા યાત્રીઓના ડૂબવાના બનાવોને ગંભીરતાથી લઈને, દેવભૂમિ દ્વારકા જિલ્લા ડિઝાસ્ટર વહીવટી તંત્ર દ્વારા ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સઘન પગલાં લેવામાં આવ્યા છે. સલામતીના ભાગરૂપે ગોમતી ઘાટો પર દોરડા બાંધવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને સુરક્ષા જવાનોને ખડેપગે તૈનાત કરવામાં આવ્યા છે.
શ્રદ્ધાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે, તાત્કાલિક અસરથી હાઈસ્પીડ રેસ્ક્યુ બોટ તેમજ રીમોટ કંટ્રોલ જેકેટ આકારની લાઇફ બોટ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ વ્યવસ્થા દ્વારા કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય.
આ ઉપરાંત, તંત્ર દ્વારા ગોમતી ઘાટો પર આવતા શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવા અને પાણીમાં વધુ ઊંડા ન જવા માટે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ પગલાં દ્વારા યાત્રાધામ દ્વારકા આવતા ભાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો વહીવટી તંત્રનો પ્રયાસ છે.

 

(12:46 PM IST)