News of Sunday, 8th June 2025
કચ્છના રાપર પંથકમાં ૫૦થી વધુ ગાયોના મોતથી હાહાકાર
ભેળસેળવાળું ભૂસું ખાવાથી મોત નીપજ્યાનું પ્રાથમિક કારણ : અનેક પશુઓ બીમાર, પોલીસ તપાસ શરૂ

(વિનોદ ગાલા દ્વારા), ભુજ : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ખડીર પંથકમાં એક સામટી ૫૦ થી વધુ ગૌમાતાના મોતે હાહાકાર મચાવ્યો છે. મૃતક પશુઓમાં ભેંસનો પણ સમાવેશ થતો હોવાનું અને મૃત્યુઆંક હજુ વધુ હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ખડીર પંથકના આસપાસના ૧૦ જેટલા ગામોમાં છેલ્લા આઠ દિવસમાં દુધાળી ગાયો અને ભેંસો દ્વારા ભેળસેળવાળું ભૂસું ખાવામાં આવ્યું હતું, જેના પરિણામે ૫૦ થી વધુ પશુઓના મોત થયા છે. હજી પણ અનેક પશુઓ બીમાર હોવાના અહેવાલ છે.
આ બાબતે સ્થાનિક પશુ ચિકિત્સક દ્વારા પશુઓના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. શંકાસ્પદ ભેળસેળિયા ભૂસાનું સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. મૃતક પશુઓના પોસ્ટમોર્ટમ (પીએમ) કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસમાં ઝુકાવ્યું છે અને ભેળસેળ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પશુપાલકોમાં આ ઘટનાને પગલે ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
