<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

ભર શિયાળે પોરબંદરમાં કેરીનું આગમન : રૂા. ૮પ૧ ની કિલો

હરરાજી દરમિયાન ૧૦ કિલોના રૂા. ૮પ૦૦ ભાવ બોલાયા : ડ્રાયફૂટસ કરતા પણ વધુ ભાવ

પોરબંદર, તા. ર૯ : પોરબંદરઃ ફળોનો રાજા એટલે કેરી, સામાન્‍ય રીતે ગુજરાતમાં કેરીનું આગમન ઉનાળામાં થતું હોય છે. પરંતુ આ વખતે ભરશિયાળામાં ગુજરાતના આંબા પર કેસર કેરી આવી છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન કેરીનું ડ્રાયફ્રૂટના ભાવથી પણ વધુ ઐતિહાસિક ભાવે વેચાણ થયું છે.  નાના મોટા સૌ કોઈ ઉનાળામાં જે ફળ આરોગવાની રાહ જોઈને બેઠા હોય છે તે ફળ એટલે ફળોનો રાજા કેરી. રાજ્‍યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્‍થાનિક કેરીની પણ બજારમાં સારી માંગ રહે છે. આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્‍ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભરશિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આ?ર્ય જોવા મળી રહ્યું છે.

પોરબંદરના હનુમાનગઢ ગામમાં આ વર્ષે પાંચ મહિના પહેલા આંબામાં કેરીના મોર જોવા મળી રહ્યા છે. આંબામાં કેરીની આવક થતા આજે ભરશિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું. માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપની ખાતે એક બોક્‍સ કેસર કેરી એટલે કે ૧૦ કિલો કેસર કેરી વેચાણ માટે આવી હતી. આ કેસર કેરીનો હરાજી દરમિયાન અધધધ ૮૫૦૦ રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થયું હતું. એટલે કે એક કિલો કેરીના ૮૫૧ રૂપિયા ઐતિહાસિક ભાવે વેચાણ થયું હતું. આટલી વહેલી કેરીના આગમનની આ ઘટનાએ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પ્રથમ ઘટના હોવાનું હરાજી કરનાર વેપારીએ જણાવ્‍યું હતું અને ભાવ પણ ઐતિહાસિક હોવાનું તેઓએ કહેલ હતું.

પોરબંદર જિલ્લાના હનુમાન ગઢ, બિલેશ્વર, ખંભાળા તેમજ કાટવાણા અને આદિત્‍યાણા સહિતના ડેમ કાંઠે આવેલ ગામોની જમીનને જાણે કે, આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લા થોડા વર્ષોથી અહીં મબલખ કેસર કેરીનું ઉત્‍પાદન થાય છે. પોરબંદર જિલ્લાના આ સ્‍થાનિક ગામોની કેસર કેરીની ગુણવત્તા અને ફળ મોટું હોવાથી સ્‍થાનિક બજારમાં તેની ભારે માંગ રહેતી હોય છે. આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિના પછીથી કેરીની આવક બજારમાં થતી હોય છે પરંતુ આ વખતે ભર શિયાળે કેસર કેરીનો અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનાર ખેડૂતોમાં પણ આヘર્યમાં મુકાયા છે.

આટલા મહિના પહેલા કેરીના મોટા ફળ આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે. હનુમાનગઢ ગામેથી કેરી લઈને યાર્ડ ખાતે આવેલ ખેડૂત નિલેશ મોરીએ આટલા ઊંચા ભાવ બદલ ખુશી વ્‍યક્‍ત કરી હતી અને જણાવ્‍યું હતું કે, ઁશિયાળામાં આંબામાં આટલી વહેલી કેરી આવી હોય તેવી આ રાજ્‍ય સહિત દેશની કદાચ પ્રથમ ઘટના છે અને આટલા ઊંચા ભાવ બોલાયા હોય તે પણ ઐતિહાસિક છે. અમોએ દેશી ખાતરનો વધુ ઉપયોગ કર્યો હતો અને વરસાદ પણ સારો હોવાથી આંબામાં વહેલી ફૂટ થઈ છે. આવનાર સમયમાં પણ કેરીનો સારો ફાલ આવે તેવી તેઓએ આશા વ્‍યક્‍ત કરી હતી.

 

(3:43 PM IST)