News of Friday, 29th November 2024
સાધુ વિવાદ મામલો : અખાડાના પત્ર મુદ્દે ભુતનાથ મંદિરના મહંત મહેશગીરીનો સનસનીખેજ ઘટસ્ફોટ
મહેન્દ્રગીરીની ગર્ભિત ધમકીનો આપ્યો જડબાતોડ જવાબ, ભવનાથ મંદિરે કબજો કરવાનો કાર્યક્રમ હાલ પૂરતો મુલતવી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૯: જૂનાગઢમાં સાધુઓ વચ્ચે ચાલતા વિવાદને લઈ નવા નવા ધડાકા થઈ રહ્યા છે. ગુરુવારે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી મહેશગીરી બાપુએ પત્રકાર પરિષદ યોજી અખાડાના પત્ર મુદ્દે સનસનીખેજ ઘટસ્ફોટ કર્યો હતો. અને કરોડો રૂપિયાની વાત વાળો અખાડાનો પત્ર ભવનાથ મંદિરના મહંત હરીગીરીએ જ તંત્રમાં રજૂ કર્યો હોવાનું જણાવ્યું હતું.
પૈસા ભરી કલેક્ટર પાસેથી મેળવેલી માહિતીમાં ભવનાથના મહંત તરીકેના દાવેદાર સાધુઓ રાજુ ગીરી તથા કૌશિક ગિરીએ માંગેલા સાધનિક કાગળોમાં અખાડાનો પત્ર નીકળ્યો હોવાનું મહેશગીરીજીએ જણાવ્યું હતું.
ભુતનાથ મહાદેવ મંદિરના મહંતે વધુમાં જણાવ્યું હતું કે અખાડાનો કથિત પત્ર તારીખ ૪-૧૦-૨૦૨૧ના રોજ રજૂ કરેલો છે. ત્યારે મારે અને હરીગીરીને કોઈ વાંધો હતો જ નહીં. જો પત્ર શંકાસ્પદ હોય તો તેને એફએસએલમાં મોકલવો પડે પરંતુ ખુદ હરીગીરીએ જ પત્ર જોડેલો છે. જેના કારણે એફએસએલ કે અન્ય કોઈ તપાસની જરૂર રહેતી નથી.
મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે, હરીગીરીએ અખાડાની આવકના હિસાબ કિતાબની બેલેન્સશીટ રજૂ કરવાનો દાવો કર્યો હતો. પરંતુ બે નંબરનો વ્યવહાર બેલેન્સ શીટમાં ન હોય તે તો સામાન્ય માણસને પણ ખબર પડે છે. એટલે મહંત હરીગીરી લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો તેમ જણાવ્યું હતું.
તાજેતરમાં મહેશગીરીએ ભવનાથ મંદિરનો કબજો લેવા ચીમકી આપી હતી તેના સંદર્ભમાં મુચકુંદ ગુફાના મહેન્દ્રગીરીએ કબજો લેવા જાવ ત્યારે વચ્ચે મુચકુંદ ગુફા આવે છે તે મગજમાં રાખવું તેવા નિવેદન અંગે મહેશગીરીએ મહેન્દ્રગીરીને ગર્ભિત ધમકીનો જવાબ આપતા કહ્યું હતું કે હું મુચકુંદ ગુફાએ દર્શન કરવા આવીશ અને તમો ચા પીવડાવશો તો ચા પણ પીશ.
ભવનાથ મંદિરના ધાર્મિક ટ્રસ્ટને સાર્વજનિક ટ્રસ્ટ બનાવી ટ્રસ્ટી બનવા પૂર્વ ડેપ્યુટી મેયરએ પ્રયાસ કર્યો હોવાનું મહેશગીરીએ જણાવ્યું હતું. અને શૈલજાદેવીને પણ ચીમકી આપી હતી.
દરમિયાન સાધુઓ વચ્ચે ચાલતા વિવાદ મુદ્દે સરકારને સૂચનાથી ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અને શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્માને મધ્યસ્થી બનાવ્યા હતા તેઓએ ભુતનાથ અને ભવનાથ મંદિરના મહંત સાથે મુલાકાત કરી હતી અને મામલો થાળે પાડવા પ્રયાસો શરૂ કર્યા છે જેના પગલે હાલ મહેશગીરી બાપુએ તા. ૧ ડિસેમ્બરના રોજ ભવનાથ મંદિર પર કબજો કરવાના કાર્યક્રમને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
