<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

કેમ ભણશે ગુજરાત? કચ્છમાં પ્રાથમિક શાળામાં શિક્ષકે બાળકોને અશ્લીલ વીડિયો ક્લિપ બતાવતાં ચકચાર

ગ્રામજનોના આક્રોશ બાદ શિક્ષક સસ્પેન્ડ, અગાઉ પણ બદનામ થયેલા શિક્ષકની શરમજનક હરકત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ :  ભણશે ગુજરાતના અભિયાન વચ્ચે સરકારના શિક્ષણ વિભાગને શરમજનક પરિસ્થિતિમાં મુકવાની ઘટના કચ્છના માંડવી તા.ના વીંઢ ગામે બની છે. અહીં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક પિયૂષ ભોઈએ વિદ્યાર્થીઓને અશ્લીલ વીડિયો ક્લિપ બતાવતા ગામમાં હોબાળો મચી ગયો હતો. નજીકમાં આવેલ બાંભડાઈ ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષક પીયૂષ ભોઈને અહીં વીંઢ ગામની પ્રાથમિક શાળામાં ફરજ સોંપાઈ હતી. પણ અહીં સરસ્વતીના આ સાધક ભાન ભૂલ્યા અને વિદ્યાર્થીઓને અશ્લીલ ક્લિપ બતાવી દીધી. ડઘાઈ ગયેલા બાળકોએ આ બાબતે વાલીઓને ફરિયાદ કર્યા બાદ ગામના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા અને ગ્રામજનોએ ગઢશીશા પોલીસ મથકે પોલીસને તેમ જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરી હતી. શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટનામાં શરમજનક હરકત કરનાર શિક્ષક પીયૂષ ભોઈ સામે તાલુકા પ્રા.શિક્ષણ અધિકારી કમલેશ ખટારીયાએ તપાસ કરતાં ફરિયાદમાં તથ્ય નીકળ્યું હતું. સરકારના શિક્ષણ જગતને લાંછન લગાવતી આ ઘટનામાં સંડોવાયેલા શિક્ષક પીયૂષ ભોઈ સામે અગાઉ પણ અંતરજાળ (ગાંધીધામ) માં ફરિયાદ થતાં તેમને બાયઠ (માંડવી) મુકાયા ત્યાં ફરી ફરિયાદ થતાં બાંભડાઈ (માંડવી) મુકાયા ત્યાંથી વીંઢ ગામે આવ્યા તો અહીં શરમજનક કૃત્ય કર્યું. હોબાળા બાદ હરકતમાં આવેલ શિક્ષણ વિભાગે શિક્ષક પીયૂષ ભોઈને સસ્પેન્ડ કર્યા છે.

(10:21 AM IST)