તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
કચ્છના બળદિયા ગામે ગૌશાળામાં લીલા ચારાનું નિરણ ખાનાર ૧૫ ગૌવંશનાં મોતને પગલે અરેરાટી
બહારગામથી મંગાવેલા ચારામાં રાસાયણિક ખાતરના છંટકાવથી ઝેરી અસરની આશંકા, ૩૦થી ૪૦ ગાયોને તાત્કાલિક સારવાર આપી બચાવી લેવાઈ, ગૌસેવકોમાં આઘાત સાથે દોડધામ, પોલીસ પણ પહોંચી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૧ : ભુજ તાલુકાના બળદિયા ગામે આવેલી ગૌશાળામાં બહારગામથી મંગાવવામાં આવેલા લીલા ઘાસચારાનું નિરણ કર્યા બાદ ગૌવંશની તબિયત અચાનક લથડી હતી. ચારામાં ઝેરી અસર થવાના કારણે અંદાજે ૩૦થી ૪૦ ગાયોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાં ૧૫ જેટલાં નાનાં-મોટાં ગૌવંશનાં કરુણ મોત નીપજતાં ગૌશાળામાં અરેરાટી ફેલાઈ હતી. મળતી વિગતો મુજબ, બપોરના સમયે ગૌશાળામાં પશુઓને લીલો ચારો ખવડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ૩૦થી ૪૦ ગાયોની તબિયત અચાનક બગડવા લાગી હતી. પ્રાથમિક દૃષ્ટિએ લીલા ચારામાં રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ (જંતુનાશક દવાઓ)નો વધુ પડતો ઉપયોગ થયો હોવાના કારણે ઝેરી અસર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં જ ગૌશાળાના સંચાલકો અને ગામના ગૌપ્રેમી યુવાઓમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક પશુચિકિત્સકોને જાણ કરવામાં આવી હતી, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલાં જ ૧૫ ગૌવંશનાં મોત નીપજ્યાં હતાં. અન્ય બીમાર ગાયોને બચાવવા ગૌશાળા સમિતિના હોદ્દેદારો અને યુવાઓએ પણ કામગીરીમાં જોડાઈને સારવારની વ્યવસ્થા કરી હતી.
બનાવની ગંભીરતાને પગલે ભુજના પશુચિકિત્સકો સાથે અહિંસાધામ તેમજ અન્ય પશુચિકિત્સકો તાત્કાલિક બળદિયા દોડી આવ્યા હતા. પશુચિકિત્સકોની ટીમે યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરી હતી. સમયસર સારવાર મળતાં અન્ય ૨૦થી ૨૫ ગાયોને બચાવવામાં સફળતા મળી હતી અને વધુ મોટી જાનહાનિ ટળી હતી. બનાવની જાણ થતાં માનકુવા પોલીસ સ્ટાફ પણ સ્થળ પર પહોંચી ગયો હતો.
પશુચિકિત્સકોના જણાવ્યા મુજબ, ઘાસચારામાં નાઇટ્રેટ અથવા સાયનાઇડ પોઇઝનિંગના કારણે પશુઓના શરીરમાં ઓક્સિજનનો પુરવઠો અટકી જતાં જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે. ગૌશાળા સંચાલકો અને પશુપાલકોએ બહારગામથી ખરીદેલા લીલા ચારાની ગુણવત્તા તેમજ તેમાં દવાનો છંટકાવ થયો હોય તો તેના સમયગાળાની ખાતરી કર્યા બાદ જ પશુઓને ખવડાવવો જરૂરી છે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
