તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
જલિયાણ ગ્રુપ કેશોદ દ્વારા વિરપુર ખાતે અનન્ય સેવા
જલારામ જયંતિ દરમ્યાન છેલ્લા પંદર વર્ષોથી સેવાયજ્ઞઃ રપ થી ૩૦ હજાર જેટલા ભાવિકો લાભ લે છે

રાજકોટ, તા. ર૧: ‘જયાં ટુકડો ત્યાં હરી ઢુકડો' કહેવતને સાર્થક કરતા પ.પૂ. જલારામબાપાની કૃપાથી વિરપુર ખાતે દરરોજ હજ્જારો ભાવિકો નિઃશુલ્ક પ્રસાદીનો લાભ લઇને ધન્ય બને છે.
પ.પૂ. જલારામબાપાની જન્મ જયંતિની વિરપુર ખાતે દર વર્ષે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવમાં આવે છે ત્યારે કેશોદના જલિયાણ ગ્રુપ દ્વારા ખાસ વિરપુર આવીને છેલ્લા પંદરેક વર્ષોથી જલારામ જયંતિના દિવસે બસ સ્ટેન્ડથી પૂ. જલાબાપાના મંદિર તરફ જતા વચ્ચે નિઃશુલ્ક લીંબુ સરબતનું વિતરણ કરવાની અનન્ય સેવા કરવામાં આવે છે. આ દિવસે રપ થી ૩૦ હજાર જેટલા ગ્લાસ લીંબુ સરબતનું શ્રધ્ધા-આસ્થા સાથે ભાવપૂર્વક વિતરણ કરવામાં આવે છે. જલારામ જયંતિના દિવસે વહેલી સવારે પૂ. જલાબાપાના દર્શન કરીને આ સેવાકીય કાર્યની શરૂઆત કરવામાં આવે છે.
આઠ થી દસ કટા ખાંડની ચાસણી તથા ચારસો કિલો જેટલા લીંબુનો રસ કરવામાં આવે છે અને તેમાં યથાયોગ્ય આદુનો રસ ભેળવીને ભાવિકોને વિતરણ કરવામાં આવે છે. ખાંડની ચાસણી, લીંબુનો રસ તથા આદુનો રસ ભેળવવાનું સેવાકીય કાર્ય પણ જલિયાણ ગ્રુપ કેશોદના સભ્યો જાતે જ અથાગ મહેનત અને ઉત્સાહ સાથે કરે છે. કેશોદ રઘુવંશી સમાજનો આર્થિક સહયોગ પણ મળતો રહે છે. જલિયાણ ગ્રુપ કેશોદના સભ્યો જલારામ જયંતિના આગલા દિવસે વિરપુર આવીને આ પ્રેરણારૂપ કાર્યનો પ્રારંભ કરી દે છે.
જલિયાણા ગ્રુપ કેશોદના તમામ સભ્યો સાગરભાઇ ભગદેવ, વ્યોમભાઇ દેવાણી, નવનિતભાઇ ચંદે, ગૌરવભાઇ ભીમજીયાણી, ધવલભાઇ દેવાણી, ચિંતનભાઇ દેવાણી, કૃણાલભાઇ લાખાણી, કાનાભાઇ કારીયા, કેવિન સુબા, ખુશ સોઢા, પ્રિયાંશ ઉનડકટ, પરમ દેવાણી, હિત દેવાણી, યક્ષિત ગઢીયા, સાગર મશરૂ, મિતેષ દક્ષિણિ, નિકુંજ ધનેશા, રવિભાઇ રૂપારેલીયા, આશીષભાઇ રાજાણી, શૈલેષભાઇ (શુભમ હોટલ-વિરપુર), જયેશભાઇ રાયચુરા, તથા અન્યો આ સામાજીક - ધાર્મિક-સેવાકીય કાર્ય બદલ પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે.
(12:58 PM IST)










