<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ઉમેશ છીતા ૧.૩૪ લાખના દારૂ, પાંચ લાખની કાર સાથે ઝડપાયોઃ ગોરધનનું નામ ખુલ્‍યું

માંડા ડુંગર શ્‍યામકિરણ પાર્કમાં કારમાંથી દારૂ ઉતરતો'તો ત્‍યાંજ દરોડો એલસીબી ઝોન-૧ ટીમનો દરોડોઃ કુલ ૬.૩૪ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૧૦: આજીડેમ ચોકડી માંડાડુંગર પાસે શ્‍યામકિરણ પાર્ક-૧માં રહેતાં ઉમેશ શરદભાઇ છીતા (ઉ.વ.૨૨) આ વિસ્‍તારના એક ઘરમાં દારૂ ઉતારી રહ્યાની બાતમી મળતાં એલસીબી ઝોન-૧ ટીમે દરોડો પાડી ૧,૩૪,૪૦૦નો વિદેશી દારૂ કબ્‍જે કર્યો હતો. કારમાંથી આ જથ્‍થો ઉતારીને ઘરમાં લેવામાં આવી રહ્યો હતો તે વખતે જ પોલીસ ત્રાટકી હતી. દારૂ, કાર મળી કુલ ૬,૩૪,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. બીજા શખ્‍સ ગોરધન કરસનભાઇ હરપાલનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

જાણવા મળ્‍યા મુજબ દારૂ જૂગારની પ્રવૃતિ તહેવારના દિવસોમાં અટકાવવા પોલીસ સક્રિય હતી. એ દરમિયાન એલસીબી ઝોન-૧ ડીસીપી હેતલ પટેલના માર્ગર્દશન હેઠળ પીએસઆઇ મોવલીયા અને સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે કોન્‍સ. મહાવીરસિંહ ચુડાસમા, હેડકોન્‍સ. હિતેષભાઇ પરમાર, એન. એ. ગઢવી, કોન્‍સ. નિખીલભાઇ પીરોજીયાને બાતમી મળી હતી કે આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે શ્‍યામકિરણ પાર્ક-૧માં સફેદ રંગની કાર જીજે૦૩ક્‍યુએચ-૫૨૫૬માં દારૂ ભરેલો છે અને ઉમેશ છીતા નામનો શખ્‍સ ગોરધન હરપાલના ઘરમાં આ કારમાંથી દારૂ ઉતારી રહ્યો છે.

આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં દારૂ ઉતારી રહેલો શખ્‍સ ઝડપાઇ ગયો હતો. તેની પુછતાછ કરતાં પોતાનું નામ ઉમેશ છીતા જણાવ્‍યું હતું. તેમજ પોતે જેના મકાનમાં દારૂ ઉતારતો હતો તે ઘર ગોરધન હરપાલનું હોવાનું અને તેના કહેવાથી પોતે આ દારૂનો જથ્‍થો ઉતારી રહ્યાનું કબુલ્‍યું હતું. ગોરધન હાજર નહોતો. પોલીસે રોયલ સ્‍ટેગ, રોયલ ચેલેન્‍જની ૧૮૦ એમએલ, ૭૫૦ એમલેની બોટલો રૂા. ૧,૩૪,૪૦૦ની તથા ૫ લાખની કાર મળી કુલ ૬,૩૪,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પીએસઆઇ મોવલીયા, મનરૂપગીરી ગોસ્‍વામી સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(12:21 PM IST)