<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

મીઠાઇના સ્વાદથી સ્નેહ મિલન સુધી અનેરુ જીવ રસાયણશાસ્ત્ર

દિવાળી પર્વ નિમિતે વૈજ્ઞાનિક વર્ણન કરતા ડો. નિમિષ મુંગરા

રાજકોટઃ દિવાળી એટલે કેવળ બહારની રોશની કે ઘરની સાફસફાઈનું પર્વ નથી, પણ માનવ શરીરના આંતરિક બાયોલોજીને રીસેટ કરવાનો કુદરતી અવસર છે. આપણે ઘરના ખૂણે-ખૂણેથી કચરો બહાર કાઢીએ છીએ, બરાબર એવી જ પ્રક્રિયા આપણા કોષોની અંદર પણ સતત ચાલતી હોય છે, જેને વિજ્ઞાન 'ઓટોફેજી' કહે છે. જ્યારે આપણે તહેવારો દરમિયાન ખોરાકના અનિયમિત સમય અને અતિશય કેલરીના ભારણથી દૂર રહીને શરીરને થોડો આરામ કે 'ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ'નો સમય આપીએ છીએ, ત્યારે શરીરના તંદુરસ્ત કોષો જૂના, ક્ષતિગ્રસ્ત પ્રોટીન અને કચરાને જાતે જ સાફ કરી નવું સેલ્યુલર આયુષ્ય મેળવે છે. ખરી દિવાળી ત્યારે જ સાર્થક થાય જ્યારે આપણું મેટાબોલિઝમ આ રીતે અંદરથી ડિટોકિસફાય થાય.

દિવાળીમાં મીઠાઈનો સ્વાદ માણવો એ ગુનો નથી, પણ તેની પાછળનું બાયોકેમિસ્ટ્રી સમજવું રસપ્રદ છે. ખાંડ અને રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ લોહીમાં ગ્લુકોઝનો તીવ્ર ઉછાળો લાવી 'ઇન્સ્યુલિન સ્પાઇક' પેદા કરે છે, જે આળસ અને થાક (સુગર ક્રેશ) માટે જવાબદાર બને છે. જો આપણે મીઠાઈ ખાતા પહેલા થોડા બદામ, અખરોટ જેવા નટ્સ કે કાચા સલાડના ફાઈબર લઈએ, તો તે પેટમાં એક કુદરતી જાળી જેવું આવરણ બનાવી ગ્લુકોઝના શોષણને ધીમું પાડે છે, જેથી શરીરનો હોર્મોનલ બેલેન્સ ખોરવાતો નથી. તેવી જ રીતે, તહેવારોમાં મોડી રાતના ઉજાગરા આપણી આંતરિક જૈવિક ઘડિયાળ એટલે કે 'સર્કેડિયન રિધમ' ને ખલેલ પહોંચાડે છે, જેનાથી મેલાટોનિન અને કોર્ટિસોલ જેવા મહત્વપૂર્ણ હોર્મોન્સનું સંતુલન બગડે છે. રાત્રિના ઉજાગરા ટાળીને પૂરતી ગાઢ ઊંઘ લેવી એ કોઈ આળસ નથી, પણ શરીરના ડીએનએ રિપેરિંગ અને રોગપ્રતિકારક શકિતના રિચાર્જ માટે અનિવાર્ય વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ બધા ઉપરાંત, આપણી ભાવનાઓ અને શારીરિક સ્વાસ્થ્ય સીધા ચેતાતંત્ર સાથે જોડાયેલા છે, જેને ન્યુરોસાયન્સ 'વેગસ નર્વ' નું નિયંત્રણ માને છે. જ્યારે આપણે જૂની કડવાશ ભૂલીને સ્નોહીજનોને ભેટીએ છીએ કે મુકત મને સ્મિત આપીએ છીએ, ત્યારે શરીરમાં ઓકસીટોસિન અને એન્ડોર્ફિન્સ જેવા ફીલ-ગુડ ન્યુરોટ્રાન્સમીટર્સ મુકત થાય છે, જે રકતવાહિનીઓને રિલેકસ કરી બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારાને કુદરતી રીતે નિયંત્રિત કરે છે. આમ, સ્નેહમિલનએ માત્ર સામાજિક ઔપચારિકતા નથી, પણ હૃદય માટેનું સર્વોત્તમ બાયોલોજિકલ ટોનિક છે. આ નૂતન વર્ષે માત્ર બાહ્ય આડંબરમાં રાચવાને બદલે કોષોના સ્તરે સ્વસ્થ બનવાનો, જીવનશૈલીને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અપગ્રેડ કરવાનો સંકલ્પ કરીએ—કારણ કે અંદરનું બાયોલોજી ચમકશે તો જ જીવનમાં સાચો પ્રકાશ રેલાશે.

ડો. નિમિષ મુંગરા

મો.૯૯૨૫૫ ૪૮૮૯૫

રાજકોટ

(4:11 PM IST)