તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સુકાની નક્કી કરવામાં હજુ ગૂંચ!
પદાધિકારીઓની પસંદગીમાં ભાજપને કોનું ગ્રહણ નડ્યું? ચૂંટાયેલા સભ્યોમાં પણ નારાજગી ચૂંટણી બિનહરીફ થયાને દોઢ મહિનો વીત્યો છતાં ચેરમેન-વાઇસ ચેરમેનના નામ અધ્ધરતાલ

રાજકોટ, તા.,૨૮: રાજકોટ મહાપાલિકામાં ભાજપની નવી શાસક ટીમે તા.૨૮ મે, ૨૦૨૬ના રોજ સુકાન સંભાળ્યાને આજે છ મહિના પૂર્ણ થયા છે. આમ છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં ભાજપને હજુ સુધી સફળતા મળી નથી. મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત શિક્ષણ સમિતિના પદાધિકારીઓની નિયુક્તિમાં આટલો વિલંબ થતાં ભાજપના સંગઠન અને સંકલનની કાર્યશૈલી સામે સવાલો ઊઠવા લાગ્યા છે.
વાર્ષિક રૂ.૧૧૦ કરોડથી વધુનું બજેટ અને ૧૦૦થી વધુ શાળાઓનું કાર્યક્ષેત્ર ધરાવતી સ્વાયત્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સ્થાન મેળવવા ભાજપના કાર્યકરોમાં ભારે પડાપડી જોવા મળી હતી. શહેરના ૧૮ વોર્ડમાંથી ૪૦૦થી વધુ દાવેદારોએ સભ્યપદ માટે અરજીઓ કરી હતી. જોકે, પ્રદેશ ભાજપે પસંદગીના માપદંડો નક્કી કરતાં મોટાભાગના દાવેદારોની આશા પર પાણી ફરી વળ્યું હતું.
ભાજપે પસંદ કરેલા ઉમેદવારોનાં નામ જાહેર કર્યા બાદ વિપક્ષના એક સભ્યને સ્થાન અપાતાં શિક્ષણ સમિતિની ચૂંટણી બિનહરીફ થઈ હતી. શાસક અને વિપક્ષ વચ્ચે સહમતી સધાઈ જવા છતાં હવે ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગીમાં વિલંબ શા માટે થઈ રહ્યો છે તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
શિક્ષણ સમિતિની ચૂંટણીનું પરિણામ જાહેર થયાને પણ દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં પદાધિકારીઓની નિયુક્તિ અંગે નિર્ણય લેવાતો નહીં હોવાથી ચૂંટાયેલા સભ્યોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.
ભાજપમાં આંતરિક ખેંચતાણ છે, જૂથવાદ નડી રહ્યો છે કે પછી પ્રદેશ નેતાગીરીની લીલીઝંડીની રાહ જોવાઈ રહી છે? વિલંબનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, સભ્યોની ચૂંટણી બિનહરીફ કરાવવામાં સફળ રહેલો ભાજપ બે પદાધિકારીઓની પસંદગી કરવામાં કેમ અટવાયો છે? તે સવાલ હાલ શહેર ભાજપમાં ચર્ચાના કેન્દ્રસ્થાને છે.
(3:23 PM IST)










