<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

રાજકોટમાં રવિવારે ગુંજશે ‘જય જોહાર, જય આદિવાસી'ના નારા

એક તીર એક કમાન, સભી આદિવાસી એક સમાન ભગવાન બિરસા મુંડાના ૧પ૧મી જન્‍મજયંતિએ રેસકોર્સ સ્‍થિત તેઓની પ્રતિમાને પુષ્‍પાંજલી-પૂજન : શોભાયાત્રામાં ડાંગનું આદિવાસી ગૃપ આકર્ષણ જમાવશે, સ્‍નેહમિલનનો પણ કાર્યક્રમ : શ્રી ભીલ પંચ - રાજકોટ અને જનજાતિ કલ્‍યાણ આશ્રમ સૌરાષ્‍ટ્ર પ્રાંત રાજકોટ દ્વારા આયોજન

રાજકોટ : ભારતીય સ્‍વાતંત્ર્ય સંગ્રામના મહાન ક્રાંતિકારી, આદિવાસી સમાજના આરાધ્‍ય અને જનજાતીય ગૌરવના પ્રતીક ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્‍મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં આગામી તા. ૧૫ નવેમ્‍બર, રવિવારના રોજ ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્‍સવ', ભવ્‍ય ‘જનજાતીય ગૌરવ રથયાત્રા' તથા આદિવાસી ભીલ સમાજના સ્‍નેહમિલનનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ થકી ભગવાન બિરસા મુંડાના બલિદાન, સંઘર્ષ, દેશપ્રેમ અને આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરી નવી પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા મળે તેવો ઉદ્દેશ્‍ય રાખવામાં આવ્‍યો છે.

કાર્યક્રમનો પ્રારંભ સાંજે ૪ વાગ્‍યે રેસકોર્સ ખાતે આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસે પુષ્‍પાંજલિ કાર્યક્રમથી થશે. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ભાવભીની પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવશે. સાથે જ તેમની પવિત્ર સમાધિની માટીને પણ વિશેષ પુષ્‍પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા અને સન્‍માન વ્‍યક્‍ત કરવામાં આવશે. ત્‍યારબાદ સાંજે ૫:૩૦ કલાકે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસેથી ભવ્‍ય જનજાતીય ગૌરવ રથયાત્રાનો પ્રારંભ થશે. રથયાત્રા બિરસા મુંડા સર્કલ, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, ભીલવાસ ચોક, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક થઈ કિસાનપરા ચોક અને બાલભવન ચોક થઈ પુનઃ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસે પહોંચશે. સાંજે ૭ વાગ્‍યે રથયાત્રાની પૂર્ણાહુતિ થશે.

આ રથયાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર ‘જય જોહાર, જય આદિવાસી'ના નારા સાથે જનજાતીય સમાજની એકતા, સંસ્‍કળતિ, પરંપરા અને ગૌરવની ઝાંખી જોવા મળશે. યાત્રા પૂર્ણ થયા બાદ ઉપસ્‍થિત તમામ લોકો માટે પ્રસાદીરૂપે ભોજનની વ્‍યવસ્‍થા પણ રાખવામાં આવી છે.

આ ભવ્‍ય આયોજન શ્રી ભીલ પંચ રાજકોટ તથા જનજાતીય કલ્‍યાણ આશ્રમ, સૌરાષ્‍ટ્ર પ્રાંત રાજકોટ મહાનગર દ્વારા સંયુક્‍ત રીતે કરવામાં આવ્‍યું છે. આયોજકો દ્વારા રાજકોટ શહેર અને આસપાસના વિસ્‍તારોમાં વસતા તમામ આદિવાસી, જનજાતીય અને ભીલ સમાજના પરિવારોને આ ઐતિહાસિક ઉજવણીમાં મોટી સંખ્‍યામાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્‍યું છે. ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ રથયાત્રાને સફળ બનાવવા સર્વ હિન્‍દુ સમાજને પણ ઉપસ્‍થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

આયોજક કમિટીમાં કોર્પોરેટર દર્શનભાઈ ભીલ (મો. ૯૮ર૪૮૮૭૭૭૭), રમેશભાઈ કોલી, જીતેન્‍દ્રભાઈ વાઘેલા, અમિતભાઈ ચૌહાણ, સંજયભાઈ રાઠોડ, પ્રેમભાઈ સારેડા, ભાવનાબેન લીડીયા, વિજયભાઈ રાઠોડ, કળણાલભાઈ કડવાતર, નિશિતભાઈ પરમાર, માધવભાઈ વાઘેલા, કેવલભાઈ ચૌહાણ, ધવલભાઈ રાઠોડ, કલ્‍પેશભાઈ રાઠોડ, દેવભાઈ મૂલીયાણા, અમિતભાઈ રાઠોડ, વિરાજભાઈ વાગડિયા, રાજભાઈ બેરવા, રાહુલભાઈ લુણિયાતર, અમિતભાઈ લીડીયા, વિશેષભાઈ પેંગયાતર, વેદાંતભાઈ પેંગ્‍યાતર, વિજયભાઈ વાઘેલા, રોહિતભાઈ કડવતર, રાજુભાઈ લીડીયા, જયેશ ચૌહાણ અને દર્શનાબેન પરમાર તેમજ જનજાતીય કલ્‍યાણ આશ્રમ, સૌરાષ્‍ટ્ર પ્રાંત રાજકોટ મહાનગર તરફથી કપિલભાઈ દવે, ચેતનભાઈ વિઠલાપરા, સર્જુદાસ અને નવીનભાઈ પટેલ સહિતના જવાબદારી સંભાળી રહ્યા છે.

આદિવાસી સમાજના ગૌરવ, સ્‍વાભિમાન અને એકતાના પ્રતીક સમાન આ ઉજવણીમાં સમાજના દરેક પરિવારની સહભાગિતા રહે અને ભગવાન બિરસા મુંડાના વિચારો તથા દેશ માટેના તેમના સંઘર્ષની પ્રેરણા જનજન સુધી પહોંચે તેવા ભાવ સાથે આયોજકોએ સૌને સમયસર ઉપસ્‍થિત રહેવા અપીલ કરી છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

 

ગૌરવ રથયાત્રાનો રૂટ

બિરસા મુંડા સર્કલ ખાતેથી સાંજે પઃ૩૦ વાગે જનજાતીય ગૌરવ રથયાત્રાનો પ્રારંભ, અકિલા સર્કલ, ફુલછાબ ચોક, ભીલવાસ ચોક, યાજ્ઞિક રોડ, કિસાનપરા, બાલભવન ચોક થઇ બિરસા મુંડાની પ્રતિમા પાસે સમાપન

(3:45 PM IST)