<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

લાઇવ ફૂડ કાઉન્‍ટરને છૂટ,પરંતુ ફાયર સેફ્‌ટી ફરજિયાતઃ ઈંડા-માંસાહાર બનાવવા પર પ્રતિબંધ

મનપાના પાર્ટી પ્‍લોટ-કોમ્‍યુનિટી હોલ માટે પહેલીવાર ‘એક નિયમ, એક શરત' કોમ્‍યુનિટી હોલ-પાર્ટી પ્‍લોટ માટે નિયમોનો કોરડો તૈયારઃ જનરલ બોર્ડમાં દરખાસ્‍ત અંગે થશે નિર્ણય, બુકીંગ રદ સહિતની બાબતે માર્ગદર્શિકા બનાવાઇ

રાજકોટ, તા., ૧૪ :  મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નિર્માણ કરાયેલા પાર્ટી પ્‍લોટ અને કોમ્‍યુનિટી હોલના ઉપયોગ માટે પ્રથમ વખત સંકલિત નિયમો અને શરતો અમલી બનાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ અંગેની દરખાસ્‍ત આગામી જનરલ બોર્ડમાં એજન્‍ડા પ્રસિધ્‍ધ  કરવામાં આવશે. બોર્ડની મંજૂરી મળ્‍યા બાદ નવા નિયમો અમલમાં આવશે.

આગામી ર૦ મીએ મળનાર જનરલ બોર્ડમાં મનપાના કોમ્‍યુનીટી હોલ, પાર્ટી પ્‍લોટના નિયમ માટે આગામી જનરલ બોર્ડમાં દરખાસ્‍ત રજુ કરવામાં આવશે. જેમાં મહાપાલિકાના પાર્ટી પ્‍લોટ, ગાર્ડન અને કોમ્‍યુનિટી હોલની જાળવણી તથા સલામતીને અગ્રતા આપીને નિયમો તૈયાર કરવામાં આવ્‍યા છે. અત્‍યાર સુધી કોમ્‍યુનિટી હોલ અને પાર્ટી પ્‍લોટ માટે અલગ-અલગ વ્‍યવસ્‍થા અમલમાં હતી. હવે બંને સ્‍થળ માટે બુકિંગથી લઈને ઉપયોગ, સલામતી, નુકસાન અને રિફંડ સુધીની બાબતોને આવરી લેતી એકસમાન નીતિ લાગુ કરવામાં આવશે.

નવા નિયમોમાં કોમ્‍યુનિટી હોલની સાથે પાર્ટી પ્‍લોટમાં પણ ભોજનના લાઇવ કાઉન્‍ટર રાખવાની છૂટ આપવામાં આવશે. જોકે, દરેક લાઇવ કાઉન્‍ટર પાસે ફાયર સેફ્‌ટીનાં સાધનો રાખવા ફરજિયાત બનશે. આ સાધનોનો ઉપયોગ જાણતી વ્‍યક્‍તિ પણ સ્‍થળ પર હાજર રાખવી પડશે. લાઇવ કાઉન્‍ટરમાંથી ધુમાડો ફેલાય નહીં તથા હોલની છત, દીવાલ કે અન્‍ય મિલકતને નુકસાન ન થાય તે પ્રકારની વ્‍યવસ્‍થા કરવાની સંપૂર્ણ જવાબદારી ભાડે રાખનારની રહેશે.

મહાપાલિકાના કોમ્‍યુનિટી હોલ કે પાર્ટી પ્‍લોટમાં ઈંડાં કે માંસાહારી વાનગીઓ બનાવી શકાશે નહીં. નિયમનો ભંગ કરનારનું બુકિંગ રદ કરવા, ડિપોઝિટ જપ્ત કરવા તથા સ્‍થળ ખાલી કરાવવા સુધીની કાર્યવાહી થઈ શકશે.

હોલ કે પાર્ટી પ્‍લોટનું બુકિંગ રદ કરાવવાના કિસ્‍સામાં કાર્યક્રમની તારીખને ધ્‍યાનમાં રાખીને નિયત ટકાવારીની રકમ કાપ્‍યા બાદ બાકીની રકમ પરત કરવામાં આવશે. બુકિંગની તારીખ બદલવી હોય તો ભાડાની ૧૦ ટકા રકમ ભર્યા બાદ એક વખત તારીખ બદલવાની તક મળી શકશે. (૪.૧૩)

 

પાન-માવા અને ધુમ્રપાન બદલ દંડ

કોમ્‍યુનિટી હોલ કે પાર્ટી પ્‍લોટમાં ધુમ્રપાન કરવા તથા પાન, માવા, ગુટખા કે તમાકુનું સેવન કરવા પર પ્રતિબંધ રહેશે. નિયમનો ભંગ કરનાર પાસેથી દંડ વસૂલવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્‍થળની સંપૂર્ણ સફાઈ કરાવી કચરાનો યોગ્‍ય નિકાલ કરવાની જવાબદારી પણ ભાડે રાખનારની રહેશે.(૪.૧૪)

 

 

નવરાત્રિની પ્રેક્‍ટિસ માટે ૫૦ ટકા વધારાનું ભાડું

નવરાત્રિ પહેલાં ગરબા કે ડાન્‍સની પ્રેક્‍ટિસ માટે પાર્ટી પ્‍લોટનો ઉપયોગ કરવો હોય તો નિયત ભાડા ઉપરાંત ૫૦ ટકા વધારાની રકમ ચૂકવવી પડશે. આવા બુકિંગ માટે પણ અવાજ, સમયમર્યાદા, સ્‍વચ્‍છતા અને ફાયર સેફ્‌ટીના તમામ નિયમોનું પાલન ફરજિયાત રહેશે. (૪.૧૪)

(4:02 PM IST)