તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 13th November 2026
ચંદ્રેશનગર ક્વાર્ટરમાં રિક્ષાચાલક સંજય પર ઘટલો અને હાર્દિક કાળીયાનો હુમલો
હું ઘટલો બોલું, તું કેમ મારી સાથે વાત કરતો નથી? કહી ફોનમાં ગાળો દીધી પછી રૂબરૂ આવ્યો વચ્ચે પડેલા સંજયના મામાના દિકરા હીરેનને પણ પાઇપ ફટકાર્યોઃ ઘટલાને સંજયની મિત્રની બહેન સાથે સંબંધ હોઇ તે બાબતે માથાકુટઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૩: મવડી અમરનગરમાં રહેતાં રિક્ષાચાલક યુવાનને તે ભાઇબીજની રાતે ચંદ્રેશનગર ક્વાર્ટરમાં મામાના ઘરે હતો ત્યારે એક શખ્સે પહેલા ફોન કરી ગાળો દીધા બાદ બીજા મિત્રને સાથે લઇ રૂબરૂ આવી આ યુવાનને ગાળો દઇ ઢીકાપાટુ મારતાં તેના મામાનો દિકરો વચ્ચે પડતાં તેને પણ પાઇપથી ફટકારતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં માલવીયાનગર પોલીસે મવડી અમરનગર-૧માં રહેતાં સંજય દિનેશભાઇ માત્રાણી (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી ઘટલો ઉર્ફે રાજ પંડયા અને હાર્દિક ઉર્ફે કાળીયો સામે ગુનો નોંધ્યો છે.
સંજય માત્રાણી પરિવાર સાથે રહે છે અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે ભાઇબીજની સાંજે આઠેક વાગ્યે હું ચંદ્રેશનગર મેઇન રોડ પર વિશ્વનગરના ક્વાર્ટર પાસે મારા મામા કમલેશભાઇ ગુપ્તાના ઘરે હતો ત્યારે મને એક નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે-હું ઘટલો બોલુ છું કહી જેમ ફાવે તેમ ગાળો દીધી હતી. તેમજ મને કહેલું કે તું કેમ મારી સાથે વાત કરતો નથી. જેથી મેં કહેલું કે તું મારા મિત્રની બહેન સાથે સંબંધ રાખે છે તે મને ગમતું નથી.
આ પછી ઘટલાએ ફોન કોલ કટ કરી નાંખ્યો હતો. એ પછી હું મામાના ઘરે ક્વાર્ટર નં. ૨૦/૩૬૫માં હતો ત્યારે ઘટલો ઉર્ફે રાજ પંડયા અને તેનો મિત્ર હાર્દિક ઉર્ફે કાળીયો આવ્યા હતાં અને ઘર બહાર ગાળો બોલી દેકારો કરવા માંડતાં હું બહાર જતાં મને બંનેએ પકડી ઢીકાપાટુ માર્યા હતાં. મેં દેકારો માવતાં મારા મામાનો દિકરો હીરેન, ભાભી નેન્સીબેન મને છોડાવવા આવતાં ઘટલાએ લોખંડના પાઇપથી મારા મામાના દિકરા હીરનને જમણા પગે સાથળ પર ઘા ફટકારી દીધો હતો. માણસો ભેગા થતાં બંને ભાગી ગયા હતાં. બાદમાં મેં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં સંજયએ કહેતાં પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં હેડકોન્સ. કે. વી. બોરીચાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
(12:33 PM IST)










