<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ભગવતીપરાના રશીદાબેન પરમારનું વેરાવળમાં ટ્રેનમાં ચઢતી વખતે પટકાતાં ગંભીર ઇજાથી મોત

સગાને ત્‍યાં પ્રસંગમાં ગયા ત્‍યારે બનાવઃ સારવાર દરમિયાન દમ તોડતાં પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૪: શહેરના ભગવતીપરામાં રહેતાં વૃધ્‍ધા સોમનાથ વેરાવળ ખાતે સગાને ત્‍યાં ગયા હોઇ ત્‍યાંના રેલ્‍વે સ્‍ટેશને ટ્રેનમાં ચઢતી વખતે પગ લપસતાં પડી જતાં પગે, શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. તેમનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ ભગવતીપરામાં સ્‍વામિનારાયણ ડેરીવાળી શેરીમાં રહેતાં રશીદાબેન મહમદભાઇ પરમાર (ઉ.વ.૬૫)  નામના ગત તા. ૧૦/૧૧ના રોજ વેરાવળ સગાને ત્‍યાં કોઇ પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. ત્‍યાંથી રાજકોટ આવવું હોઇ સવારે સવા દસેક વાગ્‍યે વેરાવળ રેલ્‍વે સ્‍ટેશને ટ્રેનમાં ચઢવા ગયા ત્‍યારે અકસ્‍માતે પડી જતાં પગમાં અને શરીરે ગંભીર ઇજાઓ થતાં વેરાવળ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં.

ત્‍યાંથી વધુ સારવાર માટે તેમને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે તેમનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જુનાગઢ રેલ્‍વે પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર રશીદાબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ છુટક મજૂરી કરે છે. બનાવથી પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. (૧૪.૬)

(11:09 AM IST)