<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

યુનિવર્સિટી રોડ પર ધરમનગરના મહેશ સિંધવને ધોકા-પાઇપના ઘા ફટકાર્યાઃ હાથ-પગ ભાંગી ગયા

ચાપડી ઉંધીયુ જમીને જવાની તૈયારીમાં હતો ત્‍યાં જ દાનાએ પાછળથી પકડી લીધો ભાઇબીજની રાતે જુના મનદુઃખનો ખાર રાખી દાના, ગોપાલ, લાલો, મનોજ તૂટી પડયાઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો તે મને બહુ છરી મારેલી છે, આજે જીવતો નથી જવા દેવો કહી બેફામ ફટકાર્યો

રાજકોટ તા. ૧૩: શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા આત્‍મીય હોસ્‍પિટલ પાછળના ભાગે મિત્ર સાથે ઉંધીયુ ચાપડી ખાવા ગયેલો મવડી ધરમનગરનો યુવાન જમી લીધા પછી જવાની તૈયારી કરતો હતો ત્‍યાં જ અમીન માર્ગ ભરવાડ વાસમાંથી આવેલા ચાર શખ્‍સોએ તેને પકડી લઇ ધોકા-પાઇપના આડેધડ ઘા ફટકારી હાથ-પગ ભાંગી નાંખતા સારવાર માટે દાખલ કરાયો છે. જુની અદવાતને કારણે આ હુમલો કરાયો હતો.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલ પાછળ ધરમનગર-૪માં રહેતાં અને સોૈરાષ્‍ટ્ર કલા કેન્‍દ્રમાં મોમાઇ ડેરીમાં કામ કરતાં મહેશ પરબતભાઇ સિંધવ (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી અમીન માર્ગ પર ભરવાડવાસમાં રહેતાં દાના ભોજાભાઇ શીયાળીયા, ગોપાલ રેવાભાઇ પરમાર, લાલો સોહલા અને મનોજ જોગરાણા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ફરીયાદમાં જણાવ્‍યા અનુસાર તા.૧૧ના ભાઇબીજના રોજ રાત્રિના મહેશ અને તેનો મિત્ર કિશન વિષ્‍ણુભાઈ દેવમુરારી રાણીમા રૂડીમા મંદિરના દર્શન કરીને પોતાના એક્‍ટીવા પર બેસી યુનિવર્સિટી રોડ પર આત્‍મીય બાળકોની હોસ્‍પિટલ આગળ અમર ચાપડી ઉંધીયુ નામની દુકાન ખાતે જમવા ગયા હતા. ત્‍યાં જમ્‍યા પછી આગળ જવાની તૈયારી કરી રહ્યા હતા.

તે દરમિયાન દસેક વાગ્‍યે દાના શીયાળીયાએ પાછળથી આવીને મહેશને પકડી લીધો હતો. બાદમાં તેની સાથેના ગોપાલે લોખંડના પાઇપથી મહેશના જમણા પગમાં ઘા મારી દીધા હતા જેથી તે નીચે પડી ગયો હતો. આ દરમિયાન લાલાએ ધોકાથી ગળાના ભાગે ઘા મારી દીધો હતો અને મનોજે પણ ધોકાનો ઘા ફટકાર્યો હતો. બાદમાં દાનાએ પણ ધોકો લઇને મહેશને હાથમાં ઘા ફટકારી-તેં મને બહુ છરી મારેલી છે આજે તો તને જીવતો નથી રહેવા દેવો તેમ કહીને જમણા હાથે તથા જમણા પગે તથા માથા નીચે ગળાના ભાગે ઘા ફટકારી રોડ પર પાડી દીધો હતો. દેકારો થતાં માણસો ભેગા થઈ જતા ચારેયે ત્‍યાંથી નાસી છૂટયા હતા. ત્‍યારબાદ મિત્ર કિશનએ ૧૦૮ બોલાવી મહેશને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. તબિબે સારવાર નિદાન કરતાં જમણા હાથે તથા જમણા પગમાં ફ્રેક્‍ચર હોવાનું ખુલ્‍યું હતું. અગાઉના મનદુઃખને કારણે આ હુમલો થયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના એએસઆઇ એમ. પી. ચરમટાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(1:04 PM IST)