News of Friday, 13th November 2026
માલિયાસણમાં મોડી રાતે ફટાકડા ફોડી ઘર પર ઘા કર્યાઃ સમજાવતાં હુમલોઃ પ્રફુલભાઇ ભૂતનો હાથ ભાંગી ગયો
નાના ભાઇ જયદિપ ભૂતને પેટ પાસે છરી ઝીંકાઇઃ પ્રફુલભાઇના પત્નિને મોઢા પર પથ્થર લાગ્યોઃ પાડોશી ઉમર જુણેજા, આમિર, સાવને હુમલો કર્યાનું કથનઃ ત્રણ દિવસથી સતત મોડી રાત સુધી ફટાકડા ફોડી હેરાન કર્યાનો ઇજાગ્રસ્તોનો આક્ષેપ

રાજકોટ તા. ૧૧: દિવાળીના તહેવારમાં ફટાડકા ફોડવા મામલે માથાકુટની અલગ અલગ ઘટનાઓ બની હતી. જેમાં માલિયાસણમાં રહેતાં પટેલ પરિવારના બે ભાઇઓ પર પાડોશી સહિત ત્રણ જણાએ ફટાકડા ફોડવા મામલે ઠપકો અપાયો હોઇ ખાર રાખી પથ્થરના ઘા કર્યા બાદ ધોકા-છરીથી હુમલો કરતાં મોટા ભાઇનો હાથ ભાંગી ગયો હતો, નાના ભાઇને પેટમાં છરીથી ઇજા પહોંચાડાઇ હતી અને ભાભીને મોઢા પર પથ્થર ઝીંકાયો હતો. દિવાળી પહેલાથી લઇ ધોકા સુધીના દિવસોમાં રોજ મોડી રાત સુધી ફટાકડા ફોડી ઘર ઉપર ઘા કરાવામાં આવતાં હોઇ પટેલ યુવાને પોલીસ બોલાવી હોઇ ખાર રાખી બેસતા વર્ષની રાતે હુમલો કરાયો હતો.
જાણવા મળ્યા મુજબ માલિયાસણમાં રહેતો જયદિપભાઇ જગદીશભાઇ ભુત (ઉ.વ.૩૨) બેસતા વર્ષની રાતે સાડા અગીયારેક વાગ્યે પોતાની ઘરે હતો ત્યારે ગામના જ ઉમર જુણેજા, આમિર જુણેજા અને તેની સાથેના સાવન નામના શખ્સે છરીથી હુમલો કરી પેટ પાસે ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
જયદિપભાઇ ઇલેક્ટ્રીક કામ કરે છે. તે બે ભાઇમાં નાનો છે અને સંતાનમાં એક પુત્ર છે. જયદિપભાઇએ જણાવ્યું હતું કે દિવાળી પહેલાના દિવસથી લઇ ધોકાની રાત સુધી પાડોશીઓ ઉમર સહિતના શખ્સો મોડી રાત સુધી સતત ફટાકડા ફોડતા હતાં અને આડેધડ અમારા ઘર ઉપર ઘા કરતાં હતાં. રાતના દોઢ બે વાગ્યે પણ ફટાકડા ફોડવાનું બંધ કરતાં નહોતાં. આથી અમે ૧૧૨માં ફોન કરી પોલીસ બોલાવતાં ધોકાની રાતે એ બધા ભાગી ગયા હતાં.
બાદમાં બેસતા વર્ષની રાતે સાડા અગીયારેક વાગ્યે હું બહાર હતો ત્યારે ઉમર, આમિર, સાવને મારા ઘરે આવી માથાકુટ ચાલુ કરી હતી. મારા મોટા ભાઇ પ્રફુલભાઇ ભુત (ઉ.વ.૩૪) અને ભાભી આરતીબને ઉપર ઉભા હોઇ એક શખ્સે પથ્થર ફેંકતા મારા ભાભીને મોઢા પર લાગી ગયો હતો. બાદમાં હું પહોંચ્યો હતો અને શા માટે માથાકુટ કરો છો? શું થયું? પુછતાં મને પેટમાં છરી મારી દીધી હતી. મારા ભાઇ પ્રફુલોભાઇ વચ્ચે પડતાં તેના પર ધોકાથી હુમલો કરાયો હતો. તે ખેતી કરી ગુજરાન ચલાવે છે. હુમલામાં તેમને હાથમાં ફ્રેકચર જેવી ઇજા થઇ હોઇ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમ વધુમાં જયદિપભાઇએ જણાવતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
થોરાળા આંબેડકરનગરમાં કમળાબેનને પાડોશીએ પાઇપથી ફટકાર્યા
નવા થોરાળા આંબેડકરનગર-૪માં રહેતાં કમળાબેન દેવીદાસભાઇ પરમાર (ઉ.વ.૬૦) નામના વૃધ્ધા પર બેસતા વર્ષ ભાઇબીજની રાતે બે વાગ્યે પાડોશમાં રહેતાં નરેશ, નીલમબેન સહિતે પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.
કમળાબેનના દિકરા કિરીટભાઇના કહેવા મુજબ પાડોશી નરેશે કારણ વગર રાતે મને જગાડયો હતો અને કહ્યું હતું કે હું લુખ્ખો નથી, તને ગમે ત્યારે અડી જઇશ. આમ કહી મારી સાથે ઝઘડો કર્યો હતો. આ વખતે મારા બા કમળાબેન વચ્ચે પડતાં તેને પાઇપથી ફટકાર્યા હતાં. ે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જંકશન સ્ટેશન પાસે ભગવતીપરાના ગુલબાનુબેન પર હુમલો
મારામારીની બીજી ઘટના બેસતા વર્ષની રાતે સાડા નવેક વાગ્યે જંકશન રેલ્વે સ્ટેશન પાસે બની હતી. ભગવતીપરામાં રહેતાં ગુલબાનુબેન હનીફભાઇ ગોંડલીયા (ઉ.વ.૪૫) અને પુત્ર અબુ (ઉ.વ.૨૩) અહિથી પસાર થતાં હતાં ત્યારે અજાણ્યો શખ્સ કાનમાં હેન્ડસફ્રી ભરાવીને અચાનક વચ્ચે આવતાં તેને મારા દિકરાએ ધ્યાન રાખવાનું કહેતાં આ શખ્સ અને બીજાઓએ મળી હુમલો કરી માર મારતાં ઇજા થતાં તેણી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી.
(12:14 PM IST)










