તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
ખંઢેરી સ્ટેડિયમ નજીક ‘હિટ એન્ડ રન': રાજકોટ શીવનગરમાં રહેતાં શિક્ષક જયેશભાઇ જોષીનું મૃત્યુ
શાળામાં ભણાવીને પરત આવતી વખતે બાઇકને અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૨૧: પડધરીના ખઢેરી સ્ટેડિયમ નજીક હિટ એન્ડ રનના બનાવમાં રાજકોટ શિવનગરમાં રહેતાં શિક્ષકનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. રાજકોટની તેમજ પડધરીની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં પ્રોૈઢ પડધરી શાળાએ ભણાવીને બાઇક પર રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ નજીક કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ પીડીએમ કોલેજથી આગળ દોશી હોસ્પિટલ પાછળ આવેલા શીવનગર-૮માં રહેતાં જયેશભાઇ હસમુખભાઇ જોશી (ઉ.વ.૫૨) ગત સાંજે ચારેક વાગ્યે પડધરીથી ટુવ્હીલર હંકારી રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્યારે ખંઢેરી સ્ટેડિયમ નજીક કોઇ અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થઇ હતી.
બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. મોબાઇલ ફોનને આધારે કોઇએ તેમના સગાને જાણ કરતાં સગા સ્વજનો પણ હોસ્પિટલે પહોંચ્યા હતાં. જો કે ગંભીર ઇજા પહોચી હોઇ સિવિલ હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર જયેશભાઇ એક બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પોતે રાજકોટ ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં. તેમજ પડધરીની શાળામાં પણ એક પીરીયડ ભણાવવા જતાં હતાં. ત્યાંથી ભણાવીને નીકળ્યા બાદ ખંઢેરી પાસે આ બનાવ બન્યો હતો. મોભીના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. મૃત્યુ પામનાર જયેશભાઇના પિતાજી નિવૃત રોયલ્ટી ઇન્સપેક્ટર છે. પડધરી પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
(2:34 PM IST)










