તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
પતિએ ફુલના ધંધામાં સીઝન હોઇ તહેવાર પછી માવતરે જવાનું કહેતાં હિરલબેનનો આપઘાત
ભગવતીપરામાં ૨૫ વર્ષિય પરિણીતાએ ભાઇબીજના દિવસે લટકીને જીવ દીધોઃ ત્રણ સંતાન મા વિહોણા થતાં પરિવારમાં ગમગીનીઃ બી-ડિવીઝન પીએસઆઇ એમ. આઇ. શેખએ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૩: આપઘાતના વધુ એક બનાવમાં એક પરિણીતાએ ભાઇબીજના દિવસે ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધુ હતું. ભગવતીપરામાં આ બનાવ બન્યો હતો. આપઘાત કરનાર પરિણીતા તેના પતિ સાથે પારેવડી ચોકમાં ફુલનો વેપાર કરતી હતી. તહેવારના દિવસોમાં તેણીને માવતરે જવું હતું. પણ પતિએ ફુલના ધંધામાં તહેવારના દિવસોમાં ખુબ ઘરાકી રહેતી હોઇ તહેવાર પછી માવતરે જવાનું કહેતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો સામે આવી હતી.
જાણવા મળ્યા મુજબ ભગવતીપરામાં ઝમઝમ બેકરીવાળી શેરીમાં રહેતી હિરલબેન કિરણભાઇ દાતણીયા (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ ભાઇબીજના દિવસે ઘરે પ્લાસ્ટીકની દોરીથી ગળાફાંસો ખાઇ દેહ લટકાવી દીધો હતો. બનાવની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના તબિબે તેણીને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. આઇ. શેખ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનાર હિરલબેનને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પતિ કિરણભાઇએ પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું કે પોતે અને પત્નિ બંને પારેવડી ચોકમાં ફુલનો ધંધો કરતાં હોઇ તહેવારના દિવસોમાં ધંધાની સીઝન હતી. પત્નિને માવતરે જવું હોઇ તેણીને તહેવાર પછી જવાનું કહેતાં માઠુ લાગી ગયું હતું. આ કારણે પગલુ ભરી લીધાની શક્યતા છે. તેણીનું માવતર ફુલઝર ગામે છે. જો કે હાલમાં માવતર પક્ષના લોકો કોઠારીયા સોલવન્ટ પાસે કારખાનામાં કામ કરી ત્યાં જ રહે છે. આ બનાવથી ત્રણ સંતાન મા વિહોણા થઇ ગયા હતાં.
(1:04 PM IST)










