<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

શ્રી ઘંટાકર્ણ શકિતપીઠ (સૌરાષ્ટ્ર મહુડી) ખાતે રૃપ ચૌદસ નિમિત્તે ભવ્ય હોમવિધાન ભકિતભાવપૂર્વક સંપન્ન

પૂજ્ય જૈનાચાર્ય ભગવંતોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોકત વિધિનું આયોજન : સૌરાષ્ટ્ર સહિત અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો જોડાયાઃ ટ્રસ્ટી રંજનબેન પટેલની આગેવાનીમાં સમગ્ર આયોજન યોજાયું

રાજકોટ, તા. ૧૩: શહેરના વેસ્ટ ગેટ પાસે, શ્રી બુદ્ધિસાગર ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી ઘંટાકર્ણ શકિતપીઠ તીર્થ (સૌરાષ્ટ્રની મહુડી) ખાતે રૃપ ચૌદસના પવિત્ર અવસરે પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ભકિતભાવ સાથે ભવ્ય હોમવિધાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે વિવિધ શહેરો અને ગામોમાંથી જૈન શ્રાવક-શ્રાવિકાઓ, ગુરુભકતો તથા ધર્મપ્રેમી ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર ધાર્મિક આયોજન સંસ્થાપક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અમરેન્દ્રસાગરસૂરિજી મહારાજ સાહેબના પાવન આશીર્વાદ તથા જૈનાચાર્ય પૂજ્ય શ્રી વિજય અભયસેનસૂરિજી મહારાજ સાહેબના માર્ગદર્શન અનુસાર સંપન્ન થયું હતું. જૈન ધર્મની શાસ્ત્રોકત પરંપરા, ધાર્મિક મર્યાદા અને વિધિ-વિધાનની પવિત્રતા જળવાઈ રહે તેવા ભાવ સાથે અમદાવાદથી ખાસ પધારેલી અનુભવી વિધિકાર ટીમ દ્વારા સમગ્ર હોમવિધાન સંપન્ન કરાવવામાં આવ્યું હતું. તેમાં સંસ્થાના ટ્રસ્ટી રંજનબેન પટેલ દ્વારા ચુસ્ત રીતે જૈન સમાજના નિયમોનું પાલન કરાવ્યું હતું.

હોમવિધાન દરમિયાન મંત્રોચ્ચાર, ધાર્મિક વિધિઓ અને આહુતિઓ સાથે સમગ્ર તીર્થ પરિસર ભકિતમય બની ગયું હતું. ભાવિકોએ શ્રી ઘંટાકર્ણવીર દાદાના દર્શન, પૂજન અને ધાર્મિક અનુષ્ઠાનમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે જૈન ધર્મની સમૃદ્ધ પરંપરા, ગુરુભગવંતો પ્રત્યેની અખંડ શ્રદ્ધા, વિનય અને ધાર્મિક સંસ્કારોનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું.

આ સમગ્ર ઉત્સવના આયોજન અને સંચાલનમાં મંદિરનાં ટ્રસ્ટી રંજનબેન પટેલની આગેવાની અને માર્ગદર્શન મુજબ પૂરૃં થયું હતું. તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટ્રસ્ટ મંડળ, સેવાભાવી કાર્યકરો અને સ્વયંસેવકોએ વ્યવસ્થાઓનું સુચારુ સંચાલન કર્યું હતું.

કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ નિમિત્તે ટ્રસ્ટી રંજનબેન પટેલ,પુષ્પકકુમાર જૈન તથા સમગ્ર ટ્રસ્ટ મંડળ દ્વારા પધારેલા પૂજ્ય ગુરુભગવંતો પ્રત્યે કૃતજ્ઞતાભાવ વ્યકત કરવામાં આવ્યો હતો. સાથે જ વિધિકાર ટીમ, ઉપસ્થિત મહાનુભાવો, ભાવિક ભકતો અને સેવાભાવી કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

(3:26 PM IST)