News of Friday, 13th November 2026
રૈયામાં ફીઝાએ ભડકા કરાવ્યાઃ પાડોશીના ૮ વાહનો સળગાવ્યા
દિવાળીની રાતે હોળીઃ મુક્તિધામ સામે ખોડિયારનગરમાં બનાવઃ બાળકો ફટાકડા ફોડતાં હોઇ તેના વાલીઓ સાથે બોલાચાલી બાદ વાત વણસી રાતે બોલાચાલી ઝઘડો થતાં રણજીતભાઇ પરમાર અને પરિવારજનો મોરબી જવા નીકળ્યાઃ રસ્તામાં મોબાઇલમાં ઘરના સીસીટીવી કેમેરા જોતાં બે વખત બે શખ્સો ટુવ્હીલર પર આવી કાચની બોટલોથી ઘરની બારીઓ ફોડી જતાં અને બાદમાં વાહનો સળગાવી જતાં દેખાયાઃ રણજીતભાઇ પરત ઘરે પહોંચ્યા ત્યારે પડોશણ ફીઝાએ કહ્યું-મેં જ તમારા ઘરમાં નુકસાન કરાવડાવી ગાડીઓ સળગાવી છે!: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો આગ-તોડફોડથી થાર, એન્ડેવર, જીપ ટૂકડો, આર-૧૫ બાઇક, પલ્સર બાઇક, બે એક્ટીવા અને બૂલેટમાં ૨૪.૯૫ લાખ, કેમેરામાં ૫ હજારનું અને ઘરમાં ૧.૫૦ લાખ મળી કુલ ૨૬.૫૦ લાખની નુકસાની

ફટાકડા બાબતે બોલચાલી બાદ પાડોશી મહિલાએ પોતાના મિત્રોને બોલાવી પરમાર પરિવારના ઘર પર સોડા બોટલોના ઘા કરાવડાવ્યા હતાં તે દ્રશ્યો ઉપરની તસ્વીરોમાં અને વાહનો સળગાવયા તે દ્રશ્યો તથા લોકો એકઠા થયા તે દ્રશ્યો નીચેની તસ્વીરોમાં જોઇ શકાય છે, તોડફોડ-આગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી
રાજકોટ તા. ૧૩: શહેરમાં દિવાળીની રાતે ફટાકડા ફોડવા મામલે માથાકુટના અલગ અલગ બનાવ બન્યા હતાં. એ દરમિયાન રૈયા ગામમાં રહેતાં પરમાર પરિવારના બાળકો ફટાકડા ફોડતાં હોઇ આ બાબતે પાડોશી ફીઝાબેન અને તેના માતાને પરમાર પરિવારના દિકરા-વહુ સાથે બોલાચાલી થઇ હતી. બાદમાં ફીઝાબેને હું આનો બદલો લઇશ તેમ કહ્યા બાદ પરમાર પરિવારના લોકો મોરબી તેમના બીજા ઘરે જવા નીકળ્યા એ પછી પાડોશી યુવતિએ માણસો બોલાવી ઘર ઉપર બોટલોના ઘા કરાવી તોડફોડ કરાવડાવી તેમજ બે કાર, જીપ, બૂલેટ, બે એક્ટીવા અને આર-૧૫ બાઇક, એક પલ્સર મળી ૮ વાહનો સળગાવી દઇ કુલ રૂા. ૨૬.૫૦ લાખની નુકસાની કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા ગામ મુક્તિધામની સામેની શેરીમાં ખોડીયારનગર ખાતે રહેતાં એવીપીટીના નિવૃત કર્મચારી અને રેવન્યુનું કામ કરતાં રણજીતભાઇ ધુડાજીભાઇ પરમાર (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી તેમના જ પાડોશી ફીઝાબેન અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રણજીતભાઇ પરમાર પરિવારને પરિવારમાં બે દિકરા, ચાર દિકરીઓ છે. તમામના લગ્ન થઇ ગયા છે. દિકરાઓના નામ શની અને પાર્થ છે. રણજીતભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૮ના દિવાળીની રાતે તેઓ અને તેમના મિત્ર કેતનભાઈ તિવારી હોન્ડા ડબલ્યુઆરવી કાર લઈને કાલવાડ પાસે રણુજા મંદિરે દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન તેમના પુત્ર પાર્થનો ફોન આવ્યો હતો કે શેરીમાં રહેતી ફીઝાબેન સાથે પરિવારના સભ્યોને ઝઘડો થયો છે. આથી તેઓ તુરત ઘરે પાછા આવી ગયા હતાં. દિકરા પાર્થએ કહ્યું હતું કે તમે રણુજા જવા નીકળ્યા બાદ રાતે દસેક વાગ્યે મારે અને મારા પત્નિ જલ્પાને પાડોશી રાબીયાબેન અને તેની દિકરી ફીઝા સાથે ઝઘડો થયો હતો. બાદમાં ફીઝા અને રાબીયાબેન સારવાર લેવા દવખાને ગયા છે. જતાં જતાં ફીઝાએ અમારી સાથે ઝઘડો કર્યો છે અને તેનો બદલો લઇશ તેવું કહીને ગઇ છે.
આ પછી રાતે ત્રણેક વાગ્ગયે અમે બધા પરિવારના સભ્યો મોરબી રવાપર રોડ રંગધરતી પાર્ક ખાતે અમારા બીજા મકાને જવા નીકળ્યા હતાં. સવારે ચાર વાગ્યે ટંકારા પાસે પહોંચ્યા તયારે રાજકોટ ખાતેના મારા મકાનના સીસીટીવી કેમેરા મોબાઇલ ફોનમાં જોતો હતો ત્યારે બે અજાણ્યા શખ્સો કાચની બોટલો લઇ મારા ઘર પાસે આવેલા દેખાયા હતાં. ટુવ્હીલરમાં તેઓ કાચની બોટલો લાવ્યો હતો. લીલા ચેક્સવાળો શર્ટ અને ગ્રે પેન્ટ પહેરેલ શખ્સ અને પીળા કલરના ટીશર્ટ તથા બ્લુ પેન્ટ પહેરેલા શખ્સો હતાં. આ બંનેઅએ અમારા ઘરની બારીઓ પર કાચની બોટલોના ઘા કરતાં હતાં તે દ્રશશ્યો સીસીટીવીમાં દેખાયા હતાં. મેં આ ફુટેજ મારા દિકરા પાર્થને બતાવ્યા હતાં. આ પછી અમે તરત ગાડી રાજકોટ ખાતે પાછી વાળી હતી. એ દરમિયાન મેં સીસીટીવી લાઇવ જોવાનું ચાલુ રાખ્યું હતું.
આ પછી સવારે પાંચેક વાગ્યે મારવાડી કોલેજ મોરબી રોડ પર આમે પહોંચ્યા ત્યારે ફરીથી બે શખ્સો કાચની બોટલો લઇને આવેલા દેખાયા હતાં. આ બંનેમાં એક પીળા ટીશર્ટ બ્લુ પેન્ટવાળો અને બીજો કાળા શર્ટ ગ્રે પેન્ટવાળો હતો. આ બંનેએ ટુવ્હીલરમાંથી ઉતર્યા હતાં. જેમાં એક શખ્સે મારા દિકરા શનીની મહીન્દ્રા થાર ગાડી જીજે૦૩પીઆર-૭૩૫૫માં આગ લગાવી હતી, બાદમાં ઘર ઉપર કાચની બોટલો ફેંકી હતી. થાર સળગતાં બાજુમાં મારી એન્ડેવર કાર જીજે૦૬૩ઇસી-૮૨૦૦, મારા મિત્રની જીપ ટુકડો ગાડી જીજે૧૨બીઆર-૨૦૯૯, મારા દિકરા શનીનું બૂલેટ જીજે૩૬બીસી-૪૪૪૫ તેમજ આર-૧૫ બાઇક જીજે૦૩એનજે-૭૩૫૫, એક્ટીવા જીજે૦૩એલકે-૩૨૨૬, પલ્સર જીજે૦૩કેજી-૩૮૮૧ તેમજ મારા મિત્રની માલિકીનું એક્ટીવા જીજે૩૬બીસી-૭૩૫૫માં પણ આગ લગાડી દીધી હતી. આ તમામા ગાડીઓ, બાઇક સળગી ગયા હતાં અને બાદમાં કેમેરો પણ આગની લપેટમાં આવી ગયો હતો.
કોઇએ ફાયર બ્રિગેડને જાણ કરતાં બંબા આવ્યા હતાં અને આગ ઓલવી હતી. અમે અમારા ઘર પાસે પહોંચતાં પાડોશી ફીઝાબેને અમને કહેલું કે-મેં જ રાતે મારા મિત્રોની અહિ બોલાવીને તમારા ઘરની બારીઓમાં નુકસાન કર્યુ છે અને ગાડીઓમાં આગ લગાવડાવી છે. અમે તપાસ કરતાં ઘરની ગેલેરીની બારીઓમાં તોડફોડને કારણે ૧,૫૦,૦૦૦નું નુકસાન થયું હતું. તેમજ થાર ગાડીમાં ૧૩ લાખનું, ફોર્ડ એન્ડેવરમાં ૩ લાખનું, જીપ ટુકડો ગાડીમાં ૩ લોખનું, બૂલેટમાં ૨ લાખનું, આર-૧૫ બાઇકમાં ૧,૭૫,૦૦૦નું, એક્ટીવામાં ૫૦ હજાર, પલ્સરમાં ૮૦ હજાર, બીજા એક્ટીવામાં ૯૦ હજાર, કેમેરામાં ૫ હજારનું નુકસાન થયું હતું. ઘરમાં ૧,૫૦,૦૦૦ અને ગાડીઓમાં ૨૪,૯૫,૦૦૦ મળી કુલ રૂા. ૨૬,૫૦,૦૦૦નું નુકસાન થયું હતું. મારા દિકરા-વહુને ઘર પાસે ફટાકડા ફોડવા મામલે પાડોશી સાથે બોલાચાલી ઝઘડો થયો હોઇ ખાર રાખી તેણીએ તેના મિત્રોને બોલાવી ઘરમાં તથા ગાડીઓમાં આ નુકસાની પહોંચાડી હતી. તેમ વધુમાં રણજીતભાઇ પરમારે જણાવતાં યુનિવર્સિટી પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં હેડકોન્સ. પી. એન. ગોહિલે ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઇ એન. વી. ચાવડાએ હાથ ધરી છે.
(11:58 AM IST)










