તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 13th November 2026
અકસ્માતમાં વડોદરાના પ્રોફેસર મુળ જસદણના અશોકભાઇ પંડયાનું મૃત્યુઃ ધર્મપત્નિ, પુત્રી, મિત્ર સહિત પાંચને ઇજા
રાજકોટના રાજસમઢીયાળા પાસે ભાઇબીજની સાંજે વેગનઆર સાથે ઇનોવા અથડાઇ : પારૂલ યુનિવર્સિટીમાં ફરજ બજાવતાં અશોકભાઇ દિવાળીની રજામાં પત્નિ ઉપાસનાબેન, દિકરી આંશુ સાથે અમરેલી મિત્ર ચિરાગ સુતરીયાને ત્યાં આવ્યા હતાં: ત્યાંથી રાજકોટ આવતી વખતે તેમની કારમાં મિત્ર, મિત્રના પત્નિ, પુત્ર પણ રાજકોટ આવવા બેઠા હતાઃ રાજકોટ સગાના ઘરે બેસી મુળ વતન જસદણ જવાના હતાં

રાજકોટ તા. ૧૨: રાજકોટ નજીક સરધાર પાસેના રાજસમઢળીયા ગામ પાસે ભાઇબીજની સાંજે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં વેગનઆર કાર સાથે ઇનોવા કાર અથડાઇ જતાં વેગનઆરના ચાલક મુળ જસદણના હાલ વડોદરા રહી પારૂલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં અશોકભાઇ પ્રવિણભાઇ પંડયા (ઉ.વ.૩૮)નું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું હતું. જ્યારે તેમના ધર્મપત્નિ, પુત્રી, અમરેલી રહેતાં મિત્ર, મિત્રના પત્નિ અને તેના પુત્રને ઇજાઓ પહોંચી હતી. દિવાળીની રજામાં અશોકભાઇ પરિવાર સાથે અમરેલી મિત્રને ત્યાં ગયા હતાં. ત્યાંથી રાજકોટ આવતી વખતે બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ ભાઇબીજની સાંજે રાજકોટના સરધાર નજીકના રાજસમઢળીયા પાસે વેગનઆર કાર રાજકોટથી આટકોટ તરફ જઇ રહેલી ઇનોવા કારની ઠોકરે ચડી જતાં વેગનઆરના ચાલક વડોદરા કપુરાઇ ચોકડી પાસે રહેતાં અશોકભાઇ પ્રવિણભાઇ પંડયા (ઉ.વ.૩૮) તથા કારમાં બેઠેલા તેમના પત્નિ ઉપાસનાબેન અશોકભાઇ પંડયા (ઉ.વ.૩૬), દિકરી આંશુ પંડયા (ઉ.વ.૮), અશોકભાઇના મિત્ર અમરેલી રોકડાવાડીમાં રહેતાં ચિરાગભાઇ સુતરીયા (ઉ.વ.૩૫), તેના પત્નિ હરીતાબેન ચિરાગભાઇ સુતરીયા (ઉ.વ.૩૪) અને તેના દિકરા તથ્ય સુતરીયા (ઉ.વ.૫)ને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જેમાં બંને બાળકોને ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરાયા હતાં. જ્યારે અશોકભાઇ સહિતને સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં સારવાર અપાઇ હતી. પરંતુ અહિ ગંભીર ઇજાગ્રસ્ત અશોકભાઇ પંડયાનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને કરી હતી. પોલીસે હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનારા અશોકભાઇ પંડયા મુળ જસદણના વતની હતાં. તેઓ ત્રણ ભાઇમાં નાના હતાં. પાંચેક વર્ષથી તેમને વડોદરા પારૂલ યુનિવર્સિટીમાં પ્રોફેસરની નોકરી મળી હોઇ તેઓ ધર્મપત્નિ અને દિકરી આંશુ સાથે ત્યાં રહેતાં હતાં. દિવાળીની રજામાં તેઓ પત્નિ, પુત્રી સાથે પોતાની વેગનઆર કાર લઇને આવ્યા હતા. પહેલા અમરેલી મિત્ર ચિરાગભાઇ સુતરીયાને ત્યાં ગયા હતાં. ભાઇબીજના દિવસે ત્યાંથી રાજકોટ કોઇ સગાને ત્યાં બેસવા માટે આવતાં હતાં અને અહિથી બાદમાં મુળ વતન જસદણ જવાના હતાં. અશોકભાઇ રાજકોટ આવતાં હોઇ મિત્ર ચિરાગભાઇ પણ તેના પત્નિ, દિકરા સાથે રાજકોટ આવવા કારમાં બેઠા હતાં. આ દરમિયાન રાજસમઢળીયા પાસે તેમની કાર સાથે ઇનોવા કાર અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. મૃતક અશોકભાઇ પંડયાના માતા-પિતા સહિતના પરિવારજનો જસદણમાં વિંછીયા રોડ પર રહે છે. આ બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
(1:28 PM IST)










