તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસ સામ-સામે :હોબાળો
જનરલ બોર્ડમાં અડધો કલાક સુધી શાસક-વિપક્ષ વચ્ચે ભારે ગરમાગરમી ચાર મહિના છતાં ખર્ચનો હિસાબ કયાં? કોંગ્રેસે શાસકોને ઘેર્યાઃ રાજકીય આક્ષેપબાજી

નવા વર્ષની પ્રથમ સામાન્ય સભાઃ પ્રજાકિય પ્રશ્નોની ચર્ચા : મનપાની નવા વર્ષની પ્રથમ સામાન્ય સભા આજે રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર નેહલ શુકલના અધ્યક્ષસ્થાને મળી હતી. ભાજપ-કોંગ્રેસના કુલ ૯ સભ્યોના રર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જંગલેશ્વર ડીમોલીશન, તંત્રના પ્લોટમાં દબાણ, દિવાળી કાર્નીવલ ખર્ચ, બીઆરટીએસ બસ સહિતના સવાલોના અધિકારીઓએ જવાબ આપ્યા હતા ઉપરોકત તસ્વીરોમાં મેયર નેહલ શુકલ, ડે.મેયર દક્ષાબેન વસાણી, મ્યુ.કમિશનર તુષાર સુમેરા, સેક્રેટરી એચ.પી. રૂપારેલ સભા સંચાલન કરતા દર્શાય છે. જયારે અન્ય તસ્વીરોમાં કોર્પોરેટરો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા. ૨૦: મ્યુનિસિપલ કોર્પોરેશનના આજે મળેલા જનરલ બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચના હિસાબનો મુદ્દો ફરી એક વખત રાજકીય વિસ્ફોટનું કારણ બન્યો હતો. ડિમોલિશનની કામગીરીને ચાર મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખર્ચની તપાસનો રિપોર્ટ જાહેર નહીં કરાતા કોંગ્રેસે ભાજપના શાસકો અને મ્યુનિસિપલ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. વિરોધપક્ષના નેતા દીપ્તિબેન સોલંકીએ આ મુદ્દે સવાલોની ઝડી વરસાવતાં ભાજપના કોર્પોરેટરો ઉશ્કેરાયા હતા. પરિણામે જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો હતો. લગભગ અડધો કલાક સુધી ગળહમાં ભારે તડાફડીના દૃશ્યો સર્જાયા હતા.
મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કામગીરીના ખર્ચ અંગે અગાઉથી જ વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ કામગીરીમાં થયેલા ખર્ચની તપાસ કરવાની માંગણી સાથે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ડિમોલિશન પાછળ કેટલો ખર્ચ થયો, ખર્ચની વિગતો શું છે અને તપાસનો રિપોર્ટ કેમ જાહેર કરવામાં આવતો નથી તેવા સવાલો કોંગ્રેસે ઉઠાવ્યા છે.
વિરોધપક્ષનો આક્ષેપ છે કે ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયાને ચાર મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં જવાબદાર સત્તાધીશો ખર્ચની તપાસનો રિપોર્ટ જાહેર કરવામાં સમય પસાર કરી રહ્યા છે. આ વિલંબ પાછળ જવાબદારી નક્કી થતી અટકાવવાનો પ્રયાસ હોવાની શંકા પણ કોંગ્રેસે વ્યક્ત કરી છે.
કોંગ્રેસનો સણસણતો સવાલ
જનરલ બોર્ડમાં વિરોધપક્ષના નેતા દીપ્તિબેન સોલંકીએ જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચનો મુદ્દો ઉઠાવી શાસકપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડિમોલિશનને ચાર મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશો હજી સુધી ખર્ચનો રિપોર્ટ જાહેર કરી શકયા નથી. કોંગ્રેસના જણાવ્યા મુજબ લોકોને આશા હતી કે તપાસનો રિપોર્ટ જાહેર થતાં સમગ્ર ખર્ચની વિગતો સામે આવશે. પરંતુ રિપોર્ટ જાહેર થવામાં વિલંબ થતાં અનેક સવાલો ઊભા થયા છે.
દીપ્તિબેન સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે જવાબદાર અધિકારીઓ અથવા ભ્રષ્ટાચારીઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા હોવાની શંકા ઊભી થાય છે. તેમણે ખર્ચનો રિપોર્ટ વહેલી તકે જનતા સમક્ષ રજૂ કરવાની માંગણી કરી હતી.
જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો માત્ર ખર્ચની વિગતો પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનર સહિતના સત્તાધીશો અને પદાધિકારીઓ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.
વિરોધપક્ષે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે ખર્ચની તપાસ અને રિપોર્ટ જાહેર કરવામાં આટલો સમય શા માટે લાગી રહ્યો છે? કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે તપાસનો રિપોર્ટ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબને કારણે જવાબદાર અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા મજબૂત બની રહી છે.
જોકે આ આક્ષેપોની સત્યતા તપાસના સત્તાવાર તારણો સામે આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકે તેમ છે. હાલ કોંગ્રેસે ખર્ચની વિગતો જાહેર કરવાની માંગણી સાથે શાસકપક્ષ પર રાજકીય દબાણ વધાર્યું છે.
ભાજપના કોર્પોરેટરો ભડકયા
જનરલ બોર્ડની કાર્યવાહી દરમિયાન જંગલેશ્વર ડિમોલિશનના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસે પૂર્વ મેયર પ્રદીપ ડવ અને ભાજપનો ઉલ્લેખ કરતા વિવાદ વકર્યો હતો.
વિરોધપક્ષના સભ્યોએ કહયુ કે, જંગલેશ્વર વિસ્તારમાં ભાજપ ઇશારે ડિમોલીશન થવાનો આક્ષેપ કરતા આ નિવેદન સામે ભાજપના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના સભ્યોએ કોંગ્રેસના આક્ષેપો સામે વાંધો ઉઠાવતાં ગળહમાં સામસામા પ્રહારો શરૂ થયા હતા.
કોંગ્રેસના સભ્યોએ પણ ભાજપના વિરોધ સામે પીછેહઠ કરવાને બદલે પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. પરિણામે જનરલ બોર્ડમાં વાતાવરણ ગરમાયું હતું.
ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે શાબ્દિક યુદ્ધ
જનરલ બોર્ડ શરૂ થયા બાદ થોડા સમય માટે પ્રશ્નોત્તરીની કાર્યવાહી નિયમિત રીતે ચાલી હતી. પરંતુ કોંગ્રેસના નેતા દીપ્તિબેન સોલંકીએ જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો ઉઠાવતાં જ રાજકીય ગરમાવો શરૂ થયો હતો. ડિમોલિશનની પ્રક્રિયા અને ખર્ચના હિસાબ અંગે કોંગ્રેસે ભાજપના શાસકો સામે સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ ભાજપના કોર્પોરેટરોએ કોંગ્રેસના આક્ષેપોનો વિરોધ કરતાં બંને પક્ષના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી.
ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે સામસામા આક્ષેપો થતાં જનરલ બોર્ડમાં લગભગ અડધો કલાક સુધી ભારે તડાફડી સર્જાઈ હતી. જંગલેશ્વર ડિમોલિશનના મુદ્દે થયેલા આ રાજકીય ઘમસાણને કારણે જનરલ બોર્ડની કાર્યવાહી દરમિયાન તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું.
ડિમોલિશન નિયમ મુજબ થયું હોવાનો ભાજપનો દાવો
જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે કોંગ્રેસના સભ્યોએ ભાજપના શાસકો સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો કે ડિમોલિશનની કામગીરીના ખર્ચનો રિપોર્ટ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે અને આ મુદ્દે શાસકપક્ષ તથા વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ. બીજી તરફ ભાજપના કોર્પોરેટરોએ ડિમોલિશનની પ્રક્રિયા નિયમ મુજબ કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. આમ, એક તરફ કોંગ્રેસ ખર્ચની તપાસનો રિપોર્ટ જાહેર કરવાની માંગણી કરી રહી છે, જ્યારે બીજી તરફ ભાજપ ડિમોલિશનની પ્રક્રિયા નિયમસર થઈ હોવાનો બચાવ કરી રહ્યો છે.
ચાર મહિનાથી ખર્ચના હિસાબનો વિવાદ
જંગલેશ્વર ડિમોલિશનને ચાર મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખર્ચનો તપાસ રિપોર્ટ જાહેર નહીં થવાનો મુદ્દો હવે મહાનગરપાલિકામાં રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યો છે. કોંગ્રેસે ખર્ચની તપાસનો રિપોર્ટ વહેલી તકે જાહેર કરવાની માંગણી કરી છે. આ રિપોર્ટ જાહેર થયા બાદ જ ડિમોલિશનની કામગીરીમાં થયેલા ખર્ચ અને તે અંગે ઉઠાવવામાં આવેલા સવાલોનું નિરાકરણ આવી શકે તેમ છે.
જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચનો હિસાબ જાહેર કરવામાં તંત્ર કેટલો સમય લે છે અને કોંગ્રેસના આક્ષેપો સામે શાસકપક્ષ શું સ્પષ્ટતા કરે છે તેના પર હવે સૌની નજર મંડાઈ છે.
ઉપરાંત નેહલ શુકલએ ટકોર પણ કરી હતી કે, રાજકીય રીતે નહી પણ માનવીય અભિગમ સાથે કોંગ્રેસ આ મુદ્દા અંગે રજુઆત કરે.
જંગલેશ્વરના હિસાબે જનરલ બોર્ડ ગાજ્યું! : રાજકોટઃ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચનો રિપોર્ટ જાહેર કરવાની માંગણી સાથે કોંગ્રેસે આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. વિરોધપક્ષના નેતા દીપ્તિબેન સોલંકીએ શાસકો સામે સવાલો ઉઠાવતાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તસવીરમાં કોંગ્રેસનો વિરોધ અને જનરલ બોર્ડમાં સર્જાયેલું વાતાવરણ નજરે પડે છે.
(3:50 PM IST)










