News of Friday, 13th November 2026
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ૧૧૧૧ થી વધુ શુદ્ધ શાકાહાર વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

રાજકોટ : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે દરવર્ષની જેમ આ વર્ષે અન્નકૂટ ઉત્સવમાં ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય એમ ચારેય વિભાગની કુલ ૧૧૧૧ જેટલી શાકાહારી વાનગીઓ ધરાવવામાં આવી હતી. જેમાં ૧૫૦ જાતના વિવિધ મિષ્ટાન, ૧૨૫ જાતનાં વિવિધ ફરસાણ, ૮૫ જાતની બેકરીની વાનગીઓ, ૬૦ જેટલા જ્યુસીસ અને શેઈક, ૪૫ જાતનાં આઈસક્રીમ અને કેન્ડી અને ૭૫ જાતના મુખવાસનો સમાવેશ થતો હતો. આ તમામ વાનગીઓ હિન્દુ પરંપરાગત શૈલી પ્રમાણે નીલકંઠવર્ણી મહારાજ સમક્ષ અને મંદિર પર ઠાકોરજી સમક્ષ પ્રથમ ગોળાકારમાં મિષ્ટાન અને દ્વિતીય ગોળાકારમાં દાળ, ભાત, કઠોળ વગેરે ભીની વાનગીઓ ધરાવવામાં આવી હોવાનું જણાવાયું છે. આ અન્નકૂટ ઉત્સવની આરતીનો લાભ લેવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, પૂર્વ રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર ડૉ. નેહલભાઇ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા જોડાયા હતા. રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી, ભંડારી પૂ.ગુરુચિંતન સ્વામી, પૂ.અપૂર્વમુનિ સ્વામીએ જહેમત ઉઠાવી હતી.
(3:31 PM IST)










