<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

જામનગર રોડ પરસાણાનગરમાં બેંક કર્મચારીના ટુવ્‍હીલરની સીટને અજાણ્‍યો શખ્‍સ સળગાવી ગયો

લંગડાતો ચાલતો કેપ્રી જેકેટ પહેરેલો શખ્‍સ કોણ? તે અંગે તપાસઃ અગાઉ પણ એક વખત વાહન સળગાવાયું હતું: પ્ર.નગર પોલીસે કમલેશભાઇ થારવાણીની ફરિયાદ પરથી તપાસ હાથ ધરી તસ્‍વીરમાં અગાઉ સળગાવી દેવાયેલુ કમલેશભાઇનું વાહન અને તાજેતરમાં ફરી એક શખ્‍સે બીજા વાહનને આગ ચાંપી તેના સીસીટીવીના દ્રશ્‍યો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૮: જામનગર રોડ પરસાણાનગરમાં રહેતાં અને ખાનગી બેંકમાં ફરજ બજાવતાં યુવાને પોતાના ઘર બહાર રાખેલા ટુવ્‍હીલર પર અજાણ્‍યો શખ્‍સ કોઇ પ્રવાહી છાંટી આગ લગાડી સીટમાં નુકસાન કરી જતાં પોલીસને જાણ કરવામાં આવી છે.  અગાઉ પણ આ યુવાનના વાહનને કોઇએ આગ લગાવી હતી અને એક વાહન ચોરી જવાયું હતું. આ વખતની ઘટના પણ સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવમાં  પ્ર.નગર પોલીસે જામનગર રોડ પરસાણાનગર પૂલ પાસે મેઇન રોડ પર મીરા નિવાસ ખાતે રહેતાં કમલેશભાઇ હોથચંદભાઇ થારવાણી (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. કમલેશભાઇ પરિવાર સાથે રહે છે અને એક્‍સીસ બેંકમાં લોન ડિપાર્ટમેન્‍ટમાં નોકરી કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારે અગાઉ ૧૫/૧૧ના રોજ સવારે દસેક વાગ્‍યે મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે નિવેદન લખાવવા જવાનું હતું. જેથી હું મારા ઘરની બહાર આવ્‍યો હતો. ત્‍યારે મેં ઘર બહાર પાર્ક કરેલું મારું એક્‍સેસ જીજે૦૩એલજે-૧૫૧૭ જોતાં તેની સીટ થોડી સળગેલી હાલતમાં જોવા મળી હતી. તપાસ કરતાં બાજુમાં થોડી દિવાસળી પડેલી દેખાઇ હતી. તેમજ કેરોસીનની વાસ પણ આવતી હતી. આ પછી મેં સીસીટીવી કેમેરા ચેક કરતાં એક શખ્‍સ મારા વાહનની સીટ સળગાવીને ભાગી જતો દેખાયો હતો. કમલેશભાઇની આ વિગતોને આધારે પ્ર.નગર પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ કે. કે. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કમલેશભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે અગાઉ મારું નવેનવુ વાહન ચોરી જવાયું હતું. આ ઉપરાંત ગત ઓગષ્‍ટમાં પણ મારુ વાહન સળગાવી દેવાયુ હતું. આ વખતે ત્રીજી વખત પણ વાહન પર પ્રવાહી છાંટી સળગાવાયું હતું. પણ માત્ર સીટ જ સળગી હતી. કોઇ કેપ્રી જેકેટ પહેરેલો શખ્‍સ કેમેરામાં દેખાયો છે જે લંગડાતો ચાલી રહ્યો હોય તેવું લાગે છે. પોલીસે ફુટેજને આધારે તપાસ હાથ ધરી છે.

(2:50 PM IST)