News of Saturday, 28th November 2026
રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા મિતાલીબેનના મોત મામલે રેલીઃકડક પગલાની માંગ : જુઓ વિડીયો
અંધારા રસ્તા અને જોખમી ગટરની કુંડીએ માસૂમ બાળકની માતાની છત્રછાયા છીનવી : જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે આકરી કાર્યવાહીની માંગ ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું: નિષ્પક્ષ તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી

રાજકોટ, તા. ૨૮: રાજકોટના મવડી વિસ્તારમાં મહાનગરપાલિકાની કથિત બેદરકારીને કારણે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મિતાલીબેનના સારવાર દરમિયાન થયેલા કરુણ નિધનને પગલે સમગ્ર રઘુવંશી સમાજમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.
આ ઘટના અંગે આજે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા રેલી યોજી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી જવાબદાર અધિકારીઓ, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મવડી વિસ્તારમાં એસ.આર.પી. કેમ્પ નજીક સ્ટ્રીટલાઇટ બંધ હોવાથી અંધારામાં રસ્તાની વચ્ચે આવેલી જોખમી ગટરની કુંડીને કારણે મિતાલીબેનને અકસ્માત નડ્યો હતો. લાંબા સમય સુધી જીવન-મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ તા. ૨૩ નવેમ્બરના રોજ સારવાર દરમિયાન તેમનું કરૂણ નિધન થયું હતું. આ ઘટનાને પગલે માત્ર આઠ માસના માસૂમ બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે.
રઘુવંશી યુવા શક્તિ સંઘે મનપાની પ્રણાલી સામે ગંભીર સવાલો ઉઠાવતાં જણાવ્યું હતું કે, રસ્તાની ગુણવત્તા અને સલામતીની તપાસ કરવાની જવાબદારી કોની હતી? જોખમી ગટરની કુંડી અને સ્ટ્રીટલાઇટની યોગ્ય વ્યવસ્થા ન હોવા છતાં રસ્તો ખુલ્લો મૂકવાની મંજૂરી કોણે આપી હતી? માત્ર કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવી અધિકારીઓને બચાવવાનો પ્રયાસ ન થવો જોઈએ.
વધુમાં, અકસ્માત બાદ શહેરમાં ગટરની કુંડીઓના સમારકામની કામગીરી અચાનક શરૂ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરી મનપા તંત્ર સામે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે, જો અગાઉ રસ્તાઓની સ્થિતિ યોગ્ય હતી તો હવે સમારકામ કરવાની જરૂર કેમ પડી? પોલીસ તપાસમાં થઈ રહેલા વિલંબ સામે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી રોડના કામના રેકોર્ડ, અગાઉની ફરિયાદો, સીસીટીવી ફૂટેજ તથા સમારકામને લગતા પુરાવાઓ સુરક્ષિત રાખવા અને તમામ જવાબદારોનાં નામ પોલીસ ફરિયાદમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે.
રઘુવંશી સમાજે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, મિતાલીબેનના પરિવારને ન્યાય આપવામાં નહીં આવે અને જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી મનપા અને પોલીસ તંત્રની રહેશે
(3:21 PM IST)










