News of Saturday, 14th November 2026
રંગઉપવન સોસાયટીના પ્રવેશદ્વાર પાસે વર્ષો જૂનો ન્યૂસન્સ પોઇન્ટ દુર કરવા તંત્રનીકવાયત
મેયર નેહલ શુકલની સૂચનાથી ૨૪ કલાક પહેલા સફાઈ કરી કચરાપેટીઓ મુકાઈઃ ફરી કચરો ફેંકનાર સામે દંડ અને લારી-વાહન જપ્તીની કાર્યવાહી

રૈયા રોડ પર હનુમાન મઢી નજીક સોસાયટીના પ્રવેશદ્વાર પાસે વર્ષોથી જામેલો ન્યૂસન્સ પોઇન્ટ દૂર કરી મહાનગરપાલિકાએ કચરાપેટીઓ ગોઠવી હતી. હવે ફરી અહીં કચરો ન ઠલવાય તે માટે દંડ અને વાહન જપ્તી જેવી કડક કાર્યવાહીની તૈયારી કરવામાં આવી છે. (અશોક બગથરીયા)
રાજકોટ, તા. ૧૪: શહેરના વોર્ડ નં.૨માં રૈયા રોડ પર હનુમાન મઢી થી જુના એરપોર્ટ રોડ પર આવેલ રંગઉપવન સોસાયટીના પ્રવેશદ્વાર પાસે વર્ષોથી જામેલો ન્યૂસન્સ પોઇન્ટ આખરે દૂર કરવામાં આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓની અનેક રજૂઆતો છતાં ઉકેલાતી ન હતી તે સમસ્યા મેયર નેહલ શુકલના ધ્યાને આવતાં તંત્ર દોડતું થયું હતું. મેયર નેહલ શુકલની સૂચનાના ૨૪ કલાક પહેલા જ સ્થળની સફાઈ કરીને લીલા રંગની કચરાપેટીઓ ગોઠવી દેવામાં આવી છે.
આ સ્થળે વર્ષોથી કચરાના ઢગલા થતા હોવાથી આસપાસના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા દિવસમાં ત્રણ વખત સફાઈ કરાવવાની સાથે ટ્રોલી સહિતની વ્યવસ્થા ગોઠવી ન્યૂસન્સ પોઇન્ટ દૂર કરવાના પ્રયાસો કરાયા હતા. આમ છતાં સાંજ પડતાં જ ફરી કચરાના ઢગલા થવા લાગતા હતા.
નજીકમાં ચોકડી આવેલી હોવાથી તેમજ આસપાસના કેટલાક વેપારીઓ રાત્રે દુકાન બંધ કરી ઘરે જતી વખતે વધેલો કચરો અહીં ઠાલવી જતા હોવાની ફરિયાદ ઊઠી હતી. ગંદકી અને દુર્ગંધના કારણે રહેવાસીઓના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું હતું.
કચરાપેટી મૂકી દેવાથી પ્રશ્ન ઉકેલાશે?
મનપાએ હાલ સ્થળે કચરાપેટીઓ મૂકી છે, પરંતુ માત્ર પેટીઓ મૂકવાથી વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે કેમ તે અંગે વિસ્તારવાસીઓમાં ચર્ચા છે. અહીં કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ ન્યૂસન્સ પોઇન્ટ ફરી ઊભો થતો અટકશે તેવું રહેવાસીઓનું કહેવું છે.
મનપાએ લોકોને જાહેરમાં કચરો ન ફેંકવા અને ગોઠવવામાં આવેલી કચરાપેટીમાં જ કચરો નાખવા અપીલ કરી છે. આગામી દિવસોમાં સ્થળે સીસીટીવી કેમેરા ગોઠવવાની પણ વિચારણા ચાલી રહી છે. જાહેરમાં કચરો ફેંકતા ઝડપાનાર સામે દંડ ફટકારવા ઉપરાંત કચરો ઠાલવવા આવતી લારી કે વાહન જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવી તંત્રએ તાકીદ કરી છે.
ટુંક સમયમાં પોલીસ રાવટી મૂકાશે
સૂત્રોના જણાવ્યા મુજબ આ સ્થળે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહના પ્રયત્નોની મંજૂર થયેલી પોલીસ રાવટી પણ ટૂંક સમયમાં મૂકવામાં આવશે. રાવટી શરૂ થવાથી અહીં લોકોની અવરજવર વધશે અને વર્ષો જૂની ગંદકીની સમસ્યાનો કાયમી અંત આવશે તેવી વિસ્તારવાસીઓએ આશા વ્યક્ત કરી છે.
(3:45 PM IST)










