<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

રીબડા યુવક અમિત ખુંટ આપઘાત કેસમાં વ્યાપક રોષ : મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા અને પુત્ર રાજદીપસિંહ હજુ ફરાર : પાટીદાર સમાજમાં ન્યાયની માંગ તેજ : જુઓ વિડીયો

ગોંડલ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા છતાં ધરપકડ ન થતા રીબડાના લોકો અને પરિવારજનો દ્વારા રાજકોટમાં બેઠક યોજાઈ : કાયદાકીય લડાઈની રણનીતિ ઘડાઈ

રાજકોટ : રાજકોટના રીબડા ગામે એક યુવકના આપઘાત બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે હડકંપ મચી ગયો છે. મૃતક અમિત ખુંટની સુસાઇડ નોટમાં સ્થાનિક નેતા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા પર ગંભીર આરોપો લાગતા મામલો વધુ ગરમાયો છે. આ સુસાઇડ નોટના આધારે, ગોંડલ પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
જોકે, ગુનો નોંધાયાના દિવસો વિતવા છતાં, મુખ્ય આરોપીઓ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા હજુ સુધી પોલીસ પકડથી દૂર છે અને ફરાર હોવાનું જણાઈ રહ્યું છે. આરોપીઓની ધરપકડ ન થતાં રીબડા ગામના લોકોમાં, ખાસ કરીને પાટીદાર સમુદાયમાં, ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. અમિત ખુંટના પરિવારને પણ ન્યાય મળી રહ્યો ન હોવાથી તેઓ ભારે મનોમંથનમાં છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમિતના પરિવારજનો અને રીબડાના યુવાનો દ્વારા આજે રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ અમિત ખુંટના પરિવારને ઝડપથી ન્યાય અપાવવાનો હતો. બેઠકમાં કાયદાકીય રીતે કેવી રીતે આગળ વધવું, પોલીસ પર દબાણ લાવવા અને આરોપીઓની ધરપકડ સુનિશ્ચિત કરવા માટેની વિગતવાર રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. ભવિષ્યમાં આ કાયદાકીય લડાઈ કઈ રીતે લડવી તે અંગે પણ વિચાર-વિમર્શ થયો હતો.
અમિત ખુંટના પરિવારના સભ્યો અને રીબડા ગામના લોકો હવે આગળ કઈ રીતે ન્યાય મેળવવા માટે પ્રયાસ કરશે તે જોવું રસપ્રદ રહેશે. આ કેસમાં પોલીસ તંત્રની કાર્યક્ષમતા પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આટલા સંવેદનશીલ કેસમાં મુખ્ય આરોપીઓ હજુ સુધી પોલીસની પકડમાં આવ્યા નથી. આ ઘટનાનો પડઘો રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક બન્યો છે, અને ન્યાય માટેની માંગ વધુ તેજ બની છે.

(3:48 PM IST)