<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

રાજકોટમાં કોરોનાએ હાફ સેન્ચ્યુરી વટાવી : છેલ્લા ૨૪ કલાકમાં, કિશાનપરા, પ્રગતિ સોસાયટી, નેહરુનગર, સરકારી વસાહત ક્વાર્ટર, શક્તિ સોસાયટી, ભોમેશ્વર, હરીનગર અને એ.જી. સોસાયટી પાસેના વિસ્તારોમાં વધુ નવ નવા કેસ નોંધાયા : કુલ સક્રિય કેસનો આંક ૫૧ પર પહોંચ્યો

શહેરમાં સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર એલર્ટ : મોટાભાગના દર્દીઓની સ્થિતિ સ્થિર, પરંતુ એક દર્દી વેન્ટિલેટર પર : આજના નવા કેસમાંથી કોઈની ટ્રાવેલ હિસ્ટ્રી નથી :

રાજકોટ : રાજકોટ શહેરમાં કોવિડ-૧૯ના કેસોમાં ફરીથી વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ નવ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. આ નવા કેસો સાથે, તા. ૧૯/૦૫/૨૫ થી આજરોજ સુધીમાં નોંધાયેલ કુલ કેસનો આંક 95 પર પહોંચ્યો છે. જ્યારે કુલ ૪૪ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી વિગત મુજબ, નવા નોંધાયેલા નવ કેસમાં વિવિધ વિસ્તારો અને વયજૂથના લોકોનો સમાવેશ થાય છે. મોટાભાગના દર્દીઓની હેલ્થ સ્ટેટસ 'સ્ટેબલ' હોવાનું જણાવાયું છે, જે રાહતની વાત છે. જોકે, એક ૬૯ વર્ષીય પુરુષ દર્દી 'વેન્ટિલેટર' પર હોવાનું સામે આવ્યું છે, જે ચિંતાજનક બાબત છે.


રાજકોટ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના વધુ નવ કેસ નોંધાયા છે, જેમાં ૩૬ વર્ષીય મહિલા (કિશાનપરા, વોર્ડ-૭, ૨ ડોઝ વેક્સિન), ૫૦ વર્ષીય મહિલા (પ્રગતિ સોસાયટી, વોર્ડ-૨, ૩ ડોઝ વેક્સિન), ૧૬ વર્ષીય મહિલા (પ્રગતિ સોસાયટી, વોર્ડ-૨, ૩ ડોઝ વેક્સિન), ૬૪ વર્ષીય પુરુષ (નેહરુનગર, વોર્ડ-૩, ૩ ડોઝ વેક્સિન), ૬૩ વર્ષીય મહિલા (સરકારી વસાહત ક્વાર્ટર, વોર્ડ-૧૦, ૩ ડોઝ વેક્સિન), ૪૭ વર્ષીય મહિલા (શક્તિ સોસાયટી, વોર્ડ-૭, ૩ ડોઝ વેક્સિન), અને ૬૯ વર્ષીય પુરુષ (ભોમેશ્વર, વોર્ડ-૭, ૨ ડોઝ વેક્સિન) નો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓની હાલત સ્થિર (સ્ટેબલ) છે અને તેમની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી નથી. જોકે, ૮૫ વર્ષીય પુરુષ (હરીનગર, વોર્ડ-૮) અને ૬૯ વર્ષીય પુરુષ (એ.જી. સોસાયટી પાસે, વોર્ડ-૮, ૨ ડોઝ વેક્સિન) એમ બે દર્દીઓએ રસી લીધી નથી અને ૬૯ વર્ષીય પુરુષ વેન્ટિલેટર પર છે. ૧૯ મે, ૨૦૨૫ થી આજરોજ સુધીમાં કુલ ૪૪ દર્દીઓ સાજા થયા છે, જ્યારે ૫૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગત મુજબ, મોટાભાગના દર્દીઓએ રસીના બે અથવા ત્રણ ડોઝ લીધેલા છે, જ્યારે ૮૫ વર્ષીય એક પુરુષ દર્દીએ રસી લીધી નથી. કોઈ પણ નવા કેસમાં ટ્રાવેલિંગ હિસ્ટ્રી નોંધાઈ નથી, જે સૂચવે છે કે સંક્રમણ સ્થાનિક સ્તરે ફેલાઈ રહ્યું છે.

શહેરમાં કોવિડ-૧૯ના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા, માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને સેનિટાઈઝેશનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા અને તબીબી સલાહ લેવા પણ સૂચના આપવામાં આવી છે.

 

(12:31 PM IST)