<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

મહેશ લાંગાને સાંકળતા સેન્‍ટ્રલ જીએસટી કૌભાંડમાં વધુ ૭ ની ધરપકડ

રાજકોટની પરમાર એન્‍ટરપ્રાઇઝની પેઢી સાથે કરોડના ખોટા બીલીંગ થકી ગેરકાયદે ઇનપુટ ક્રેડીટ મેળવી હતી

રાજકોટ, તા., ર૯: કથીત પત્રકાર મહેશ લાંગા દ્વારા આચરાયેલા સેન્‍ટ્રલ જીએસટી ચોરીના મસમોટા કૌભાંડમાં રાજકોટની ઇકોનોમીક ઓફેન્‍સ વીંગે ૬૧.૩૮ લાખની ઇનપુટ ટેકસ ક્રેડીટ ખોટી રીતે મેળવી લીધા સબબ રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ ઉપર આવેલી પરમાર એન્‍ટરપ્રાઇઝના પ આરોપીઓની ધરપકડ કર્યા બાદ પરમાર એન્‍ટરપ્રાઇઝ સાથે વ્‍યવહાર કરનાર જુદી જુદી જગ્‍યાની અન્‍ય ૧૪ કંપની પૈકી ૭ સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે.

સેન્‍ટ્રલ જીએસટીના જયપ્રકાશ સિંઘે છેતરપીંડી અને ગુન્‍હાહીત કાવત્રા સહીતની કલમો હેઠળ ફરીયાદ નોંધાવી હતી. જેમાં અમન નાસીરભાઇ કારાણી (રહે. લીંબડી), અમન રફીકભાઇ બિનહરીફ (રહે. ભગવતીપરા રાજકોટ), સૈયદ ઉર્ફે કાનુ મજીદભાઇ સારી (રહે. શિવપરા, રૈયા રોડ, રાજકોટ), વિશાલ પ્રવિણભાઇ પરમાર (રહે. લીંબડી) અને પાર્થ સતીષભાઇ પરમાર (રહે. અમદાવાદ, મૂળ લીંબડી)ની ધરપકડ કરવામાં આવ્‍યા બાદ  જામનગરના મોટી ખાવડીના લખુભા નાનભા જાડેજા, ગાંધીનગરના શૈલેષ ઘનશ્‍યામ પટેલ, રાજકોટના પાર્થ મનોજ ભોજવાડીયા, ભેરૂસિંહ શંકરસિંહ રાજપુત (રહે. રાજકોટ), મનીષ બળવંત જોબનપુત્રા (રહે. જુનાગઢ) અલ્‍પેશ ગોબરભાઇ હીરપરા (રહે. જુનાગઢ) અને કોટડા સાંગાણીના ફિરોઝ અબ્‍દુભાઇ જુણેજા સહિત ૭ ની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

તપાસનીસ પીઆઇ સંજયસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે, જુદી જુદી પેઢી અને કંપનીઓ વચ્‍ચે ઉત્‍પાદનની લેતી-દેતી થયા વગર ખોટા બિલો ઉભા કરી કરોડોના વ્‍યવહારો ચોપડે દર્શાવી ૧૮ ટકા સેન્‍ટ્રલ જીએસટી ચોરીનું કારસ્‍તાન આચરાયું હતું. હજુ પણ આ કૌભાંડમાં તપાસને અંતે વધુ ધરપકડો થઇ શકે છે.

(4:11 PM IST)